હાર્ટ પર ‘એટેક’ વચ્ચે રાજકોટમાં વાઈ-પેરેલીસીસ-આઘાતમાં સરી પડવાના કેસમાં ગજબ ઉછાળો
હૃદયરોગની સાથે સાથે અન્ય બીમારીએ પણ માથું ઉંચકતાં નવી ચિંતા
ઑક્ટોબર મહિનામાં ૧૦૮ને પેટમાં દુ:ખાવાના ૩૫૬, શ્વાસ લેવામાં તકલીફના ૨૮૧, હાર્ટએટેકના ૩૬૮, વાઈના ૧૧૯, ઝેર પી લીધાના ૮૩, માનસિક હાલત ખરાબ થયાના ૧૧, પેરેલાઈઝ થઈ ગયાના ૬૬, આઘાતમાં સરી પડ્યાના ૪૯૪ કોલ મળ્યા
ગત વર્ષના ઑક્ટોબરની તુલનાએ આ વર્ષે હાર્ટએટેકના કોલમાં ૧૬૫નો વધારો: શહેરની સાથે જિલ્લામાં પણ કેસમાં વધારો: શહેરમાં અલગ-અલગ બીમારી લગત ૩૯૪૦ કોલને કારણે આખો મહિનો ૧૦૮ દોડતી જ રહી
રાજકોટ સહિત આખા ગુજરાતમાં હાર્ટએટેકના કિસ્સા હાહાકાર મચાવી રહ્યા છે. લોકો અત્યારે હાર્ટએટેકથી એટલા ડરી ગયા છે કે ચાર લોકો આ વિશે ચર્ચા કરતા હોય એટલે ચારમાંથી એક વ્યક્તિ તો છાતી પર હાથ મુકી દેવા મજબૂર બની જ જાય છે !! આ મુદ્દે સરકારની સાથે સાથે નામાંકિત તબીબો પણ ચિંતીત છે અને હાર્ટએટેક માટે અટકાયતી પગલાં લેવા માટે વિવિધ સુચનો આપવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે અન્ય રોગની સંખ્યામાં પણ એટલો જ ઉછાળો જોવા મળી રહ્યો છે તે અત્યંત ચિંતાજનક છે. આ રોગચાળામાં પેરેલીસીસ-વાઈ આવવી-આઘાતમાં સરી પડવા સહિતના રોગ સામેલ છે. દર્દીઓને સમયસર હોસ્પિટલે પહોંચવા માટે હંમેશા
એલર્ટ’ રહેતી ૧૦૮ પાસેથી પ્રાપ્ત આંકડા પ્રમાણે ઑક્ટોબર મહિનામાં આ ઈમરજન્સી સેવાને શ્વાસ લેવામાં તકલીફના ૨૮૧, પેટમાં દુ:ખાવાના ૩૫૬, પેરેલાઈઝ થઈ ગયાના ૬૬, ઝેર પી લીધાંના ૮૩, વાઈના ૧૧૯, માનસિક હાલત ખરાબ થઈ ગયાના ૧૧ તેમજ આઘાતમાં સરી પડ્યાના ૪૯૪ કોલ મળ્યા છે.
જ્યારે હાર્ટએટેકની વાત કરવામાં આવે તો ઑક્ટોબરમાં કુલ ૩૬૮ કોલ શહેરમાંથી મળ્યા છે જે ગત વર્ષના ઑક્ટોબરની તુલનાએ ૧૬૫ વધુ છે. એકંદરે ઑક્ટોબર મહિનામાં વિવિધ બીમારીને લગત ૩૯૪૦ કોલ મળ્યા છે. આ જ આંકડો ૨૦૨૨-ઑક્ટોબરમાં ૩૩૯૩ તો ૨૦૨૧-ઑક્ટોબરમાં ૩૧૨૨ હતો જેમાં આ વર્ષે ઉછાળો નોંધાયો છે એટલા માટે સરળ શબ્દોમાં એક કહી શકાય કે આખો મહિનો શહેરમાં ૧૦૮ની ધણધણાટી યથાવત જ રહેવા પામી છે.
ડેંગ્યુ-મેલેરિયા-ચિકનગુનિયાના કેસે લોકોને હાય તૌબા' કરાવી દીધા રાજકોટમાં છેલ્લા બે મહિનાથી ડેંગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના રોગચાળાએ પણ માથું ઉંચક્યું હોય લોકો રીતસરના
હાય તૌબા’ કરી ગયા છે. મહાપાલિકા દ્વારા દર સપ્તાહે જાહેર કરવામાં આવતાં રોગચાળાના આંકડા આ વાતની ગવાહી પૂરી રહ્યા છે. નોંધપાત્ર બાબત એ છે કે તંત્ર દ્વારા જે આંકડા જાહેર કરવામાં આવે છે તે માત્ર સરકારી હોસ્પિટલ તેમજ અમુક ગણીગાંઠી પ્રાઈવેટ હોસ્પિટલો પાસેથી જ એકઠા કરવામાં આવ્યા હોય છે ત્યારે જો તમામ હોસ્પિટલો-દવાખાના પાસેથી રોગચાળાનો આંકડો લેવામાં આવે તો તે આકાશને આંબી જાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
ડાયાબીટીસને લગત તકલીફના ઑક્ટોબરમાં ૯૮ કોલ
૧૦૮ને ચાલું વર્ષે ઑક્ટોબર મહિનામાં ડાયાબીટીસને લગત તકલીફના કુલ ૯૮ કોલ મળ્યા છે. આ આંકડો ગત વર્ષના ઑક્ટોબરમાં ૫૮ તો ૨૦૨૧ના ઑક્ટોબરમાં ૭૫ હોવાનું જાણવા મળી રહ્યું છે. એ વાત નોંધવી રહી કે રાજકોટમાં ડાયાબીટીક દર્દીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે એટલા માટે તેને લઈને વિવિધ પ્રકારની બીમારીઓ પણ વધવા લાગી છે જે વાત પણ ગંભીર જ ગણવી રહી.
પોતાને શું થયું છે તેની ખબર જ ન હોય તેવા ૭૦૯ દર્દી !!
૧૦૮ને ઑક્ટોબર મહિનામાં ૭૦૯ એવા કોલ આવ્યા છે જેમને શું થયું છે તેની ખબર જ ન્હોતી પડી ! એકંદરે ફોન આવ્યા બાદ ૧૦૮નો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને પ્રારંભીક પૂછપરછ કરતાં દર્દીને શું થઈ રહ્યું છે તેનો ખુલાસો થઈ શક્યો ન્હોતો. જો કે સ્થિતિ પામી જઈ ૧૦૮ દ્વારા તાત્કાલિક આ તમામ દર્દીઓને કાં તો હોસ્પિટલે કાં તો સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી.
ઑક્ટોબર-૨૦૨૩માં ૧૦૮ને કઈ બીમારીના કેટલા કોલ મળ્યા
પેટમાં દુ:ખાવો – ૩૫૬
માનસિક સ્થિતિ ખરાબ – ૧૧
શ્વાસ લેવામાં તકલીફ – ૨૮૧
કાર્ડિયાક (હાર્ટએટેક) – ૩૬૮
વાઈ – ૧૧૯
ડાયાબીટીક પ્રોબ્લેમ – ૯૮
સખત તાવ – ૨૯૩
ઝેર પીધાંના – ૮૩
ગર્ભ સંબંધિત – ૬૦૬
માથામાં અસહ્ય દુ:ખાવો – ૭
પેરેલીસીસ – ૬૬
આઘાત – ૪૯૪