રોગચાળાના ધડાકા-ભડાકા: ડેંગ્યુ પાછો પડતો નથી !
ડેંગ્યુનો રોજ નોંધાઈ રહેલો એક કેસ: શરદી-ઉધરસ-તાવે પણ રફ્તાર પકડી: તહેવારો ટાણે જ બીમારીએ ફાડ્યું મોઢું
દિવાળી પર ફટાકડાના ધૂમધડાકા થાય તે પહેલાં જ રાજકોટમાં રોગચાળાએ ધડાકા-ભડાકા કરવાનું શરૂ કરી દીધું હોય તેવી રીતે એક સપ્તાહમાં ડેંગ્યુ સહિતના રોગચાળાની રફ્તાર ચિંતાજનક હદે આગળ વધી રહી છે. ખાસ કરીને ડેંગ્યુ કોઈ હિસાબે પાછો પડવાનું નામ લઈ રહ્યો ન હોય તેવી રીતે ૧૦ મહિનામાં જ તેના ૩૧૨ દર્દી સત્તાવાર રીતે નોંધાઈ ચૂક્યા છે. આ રીતે જોવા જઈએ તો શહેરમાં દરરોજ ડેંગ્યુનો એક કેસ મળી રહ્યો છે.
મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તા.૨૧-૧૦-૨૦૨૪થી તા.૨૭-૧૦-૨૦૨૪ સુધીના સાત દિવસના રોગચાળાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે જે પ્રમાણે મેલેરિયાના ૨ (વર્ષના ૩૪), ડેંગ્યુના વધુ ૨૦ (વર્ષના ૩૧૨) દર્દી મળ્યા છે. આ ઉપરાંત શરદી-ઉધરસના ૧૧૦૯ (વર્ષના ૪૨૧૮૧), સામાન્ય તાવના ૬૧૬૧ (વર્ષના ૧૭૦૦૬), ઝાડા-ઊલટીના ૧૫૫ (વર્ષના ૧૧૧૨૬) અને ટાઈફોઈડ તાવના ૩ (વર્ષના ૮૨) કેસ મળ્યા છે.