સ્વામિનારાયણ મંદિર સામે પગલાં ભરવા આદેશ
લોકસભા ચૂંટણી સમયે ભાજપને તાલીમ બેઠક માટે મંદિરની જગ્યા આપવી ભારે પડશે
રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા પગલાં ભરવા આદેશ છતાં પગલાં ન લેવાતા કોંગ્રેસના મહામંત્રી દ્વારા કલેક્ટરને રજુઆત
રાજકોટ : લોકસભા ચૂંટણી સમયે શહેરના કાલાવડ રોડ ઉપર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ભાજપ કાર્યકરોની બેઠક અને તાલીમ યોજવા મામલે આચાર સંહિતા ભંગ મામલે જે તે સમયે પગલાં લેવામાં ન આવતા આ મામલે રાજકોટ શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ અને મહામંત્રી દ્વારા ચૂંટણીપંચમાં ફરિયાદ કરવામાં આવતા પંચ દ્વારા રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરને ધાર્મિક સ્થળનો દુરપયોગ થવા મામલે પગલાં ભરવા એક મહિનાથી વધુ સમય પહેલા આદેશ કરવા છતાં પગલાં ભરવામાં ન આવતા કોંગ્રેસના આગેવાનોએ આ મામલે જિલ્લા કલેક્ટરને ફરી એક વખત પગલાં ભરવા માંગ કરી છે.
લોકસભાની ચુંટણી-2024 દરમિયાન કાલાવાડ રોડ ખાતે આવેલ સ્વામી નારાયણ મંદિરના સત્સંગ હોલમાં ભાજપના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલાના પ્રચાર-પ્રસાર માટે બેઠક મળેલ હતી. તે બાબતે જીલ્લાચૂંટણી અધિકારીને કોંગ્રેસ અગ્રણી સંજય લખાણી અને કૃષ્ણદત રાવલે સંયુક્ત રીતે જીલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર રાજકોટને અરજી કરેલ હતી. અરજી સંદર્ભે સંતોષજનક પગલા ન લેવાતા ગાંધીનગર મુખ્ય નિર્વાચન અધિકારીને અપીલ અરજી તા.૨૫/૦૫/૨૦૨૪ ના રોજ કરતા અરજદારની અરજી અને કલેકટરના અહેવાલને ધ્યાને લઈ મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા તા.૧૪/૦૬/૨૦૨૪ ના રોજ જિલ્લા કલેક્ટરને ધ રિલીઝીયન્સ ઈન્સ્ટીટયૂશન (પ્રિવેન્સન ઓફ મિસયૂઝ) એકટ-૧૯૮૮ ની કલમ ૩,૫,૬,૭ અંતર્ગત યોગ્ય કાર્યવાહી કરીને કરેલ કાર્યવાહીનો અહેવાલ કરવા માટે હુકમ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અને એમાં પણ ખાસ કરીને રાજકોટમાં કોઈ ધાર્મિક સંસ્થાએ કાયદાનો ભંગ કરીને ચુંટણીના પ્રચાર-પ્રસાર માટે પોતાની સંસ્થાઓનો ગેરઉપયોગ કરવા અંગે કાર્યવાહી કરવાનો ચુંટણી અધિકારીએ આદેશ આપ્યાનો આ પ્રથમ કિસ્સો છે.
બીજી તરફ કલેકટર તંત્રએ ઉપલી સત્તાધિકારીના આદેશની અવમાનના કરતા કોંગ્રેસ અગ્રણી સંજય લાખાણી અને કૃષ્ણદત રાવલે આ મામલે જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી સ્વામી નારાયણ મંદિરના મેનેજર ઘનશ્યામસિંહ ઝાલા તેમજ કાઠારી સ્વામી સામે ગુન્હો દાખલ કરવા અરજ કરેલ છે. સાથે જ ભાજપ કાર્યાયલ રાજકોટ શહેરના મંત્રી હરેશ જોષી સામે પણ ગુન્હામાં મદદરૂપ થવા માટે ગુન્હો નોંધવા પણ અરજ કરેલ છે. જેથી કલેકટર તંત્રમા દોડધામ મચી ગયેલ છે. અરજદારોએ અરજીમાં જણાવેલ છે કે ગુજરાત રાજ્યના મુખ્ય ચુંટણી અધિકારીનો હુકમ હોવા છતાં એક માસ કરતા વધુ સમય વીતવા છતા પણ કલેકટર તંત્રએ ગુન્હો નોંધેલ નથી જે પગલુ પણ ફોજદારી કૃત્ય બને છે અને જો ગુન્હો નોંધવામાં ન આવે તો કલેક્ટર સાહેબ સામે કોર્ટમાં જવાની ફરજ પડશે તેમ બને અરજદારોએ જણાવેલ છે.
લોકસભા ચૂંટણી સમયની આચાર સંહિતા ભંગની આ કાર્યવાહી મામલે રાજકોટ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછારનો સંપર્ક સાધતા તેમને જણાવ્યું હતું કે, આ કેસમાં રાજ્ય મુખ્ય નિર્વાચન અધિકારીની સૂચના અને નિયમ મુજબ કાર્યવાહી કરવાં આવશે.