આરટીઈ પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું શરુ
રાજ્યની 9831 શાળાઓમાં 43 હજાર કરતા વધુ બેઠકો પર પ્રવેશ માટે કાર્યવાહી હાથ ધરાશે: 26 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે
રાજકોટ : રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધો.1માં પ્રવેશ માટેની કાર્યવાહીનો પ્રારંભ થયો છે. પ્રવેશ માટે વાલીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 26 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી ચાલશે. આ વર્ષે રાજ્યની 9831 શાળાઓમાં 43 હજાર કરતા વધુ બેઠકો પર પ્રવેશ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. 26 માર્ચ સુધીમાં ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ 6 એપ્રિલના રોજ પ્રવેશની ફાળવણી કરવામાં આવશે.
આરટીઇ અંતર્ગત સારી શાળાઓમાં વિનામૂલ્યે પ્રવેશ મળતો હોય પોતાના બાળકોને સરકારની યોજનાનો લાભ મળે તે માટે પ્રથમ દિવસથી જ વાલીઓનો ફોર્મ ભરવા માટે ધસારો જોવા મળ્યો હતો.ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી સાથે જ જિલ્લા કક્ષાએ ચકાસણી પણ શરૂ કરી દેવામાં આવી છે.આરટીઇ અંતર્ગત રાજ્યની ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો.1માં પ્રવેશ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે. રાજ્યમાં 2024-25ના નવા શૈક્ષણિક વર્ષ માટે વિભાગ દ્વારા આરટીઇની પ્રવેશ કાર્યવાહી શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે પણ રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થાય તે પહેલા જ પ્રવેશ કાર્યવાહી પૂર્ણ કરવાનું આયોજન અંતર્ગત પ્રવેશ માટે વાલીઓને જરૂરી ડોક્યુમેન્ટ એકત્ર કરવા માટે 13 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ 14 માર્ચથી પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ વર્ષે વાલીઓને ફોર્મ ભરવા માટે 13 દિવસનો સમય મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી 14 માર્ચથી શરૂ થયેલી ફોર્મ ભરવાની કાર્યવાહી 26 માર્ચ સુધી ચાલશે.આરટીઇની પ્રવેશ કાર્યવાહીમાં ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્સ રિટર્ન, તથા ઈન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન વગેરે ઓરિજનલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી સાથે જ જિલ્લા કક્ષાએ ફોર્મની ચકાસણી શરૂ થશે. જેમાં ફોર્મની ચકાસણી કરી એપ્રુવ કે રિજેક્ટ માટેની કાર્યવાહી 14 માર્ચથી શરૂ થશે અને 28 માર્ચ સુધી ચાલનાર હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.