રાજકોટ સિવિલમાં ચાંદીપુરામાંથી વધુ એક બાળ દર્દી સ્વસ્થ થયું
ગોંડલના 3 વર્ષના બાળકને રજા અપાઈ : કાલાવડના 2 વર્ષના બાળકમાં લક્ષણો જણાતા દાખલ કરાયું ,હાલ 9 દર્દીઓ સારવારમાં
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચાંદીપુરા વાઇરસનો કહેર યથાવત રહ્યો છે. રાજકોટ શહેરમાં પણ ચાંદીપુરાનાં શંકાસ્પદ દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અને આ વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગોંડલના 3 વર્ષના બાળ દર્દીએ ચાંદીપુરા વાયરસને હરાવી સંપૂર્ણ સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અને બીજી બાજુ હોસ્પિટલમાં વધુ એક ચાંદીપુરાનો શંકાસ્પદ દર્દી દાખલ થયો છે. કાલાવડના 2 વર્ષના બાળકને ચાંદીપુરા હોવાની શંકાના આધારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. જેથી હોસ્પિટલમાં હાલ 9 દર્દીઓ દાખલ છે.
આ મામલે વિગતો આપતા સિવિલ હોસ્પિટલનાં મીડિયા કો-ઓર્ડીનેટર ડો. હેતલ ક્યાડાનાં જણાવ્યા મુજબ, ગત તા. 26 જુલાઈના ગોંડલથી 3 વર્ષના બાળકને ચાંદીપુરાની શંકાના આધારે સિવિલની ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, જેને તા. 8 ઓગસ્ટના હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે તા. 8 ઓગસ્ટના વધુ એક દર્દી દાખલ થયું છે. મૂળ મધ્ય પ્રદેશના ધાર જિલ્લાનો અને 2 દિવસ પહેલાં પરિવાર સાથે જામનગરના કાલાવડ આવેલા 2 વર્ષના બાળકને ચાંદીપુરા હોવાની શંકાના આધારે દાખલ કરવામાં આવ્યું છે, જેની સારવાર હાલ ચાલી રહી છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં હાલ ચાંદીપુરાના 9 દર્દીઓ દાખલ છે. જેમાં 1 દર્દી ચાંદીપુરા પોઝિટિવ છે, જ્યારે 6 દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ઉપરાંત 2 શંકાસ્પદ દર્દીઓ છે. ચાંદીપુરાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈને આરોગ્ય તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. રાજકોટમાં અત્યાર સુધીમાં ચાંદીપુરાથી 9 દર્દીના મૃત્યુ નીપજ્યા છે.