ગીર-સોમનાથના તાલાલામાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ
રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગર, જુનાગઢમાં કમોસમી વરસાદ પડતાં જગતનો તાત ચિંતામાં
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રવિવારે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને કમોસમી વરસાદ થયો હતો. રાજકોટ જિલ્લામાં રાજકોટ, ગોંડલ, ધોરાજી, ઉપલેટા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતા જગતનો તાત ચિંતામાં મુકાયો હતો.
હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તા.25 થી 27 એમ ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે આગાહી સાચી પડી હતી અને રવિવાર વહેલી સવારથી જ સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ થયો હતો. રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના ધોરાજી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ થતાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. ધોરાજીના કલાણા, છત્રાસા, પાટણવાવ, ભોળા ગામમાં વરસાદ થયો હતો. તો બીજી તરફ ઉપલેટાના મોટી પાનેલી, કોલકી, ડુમિયાણી, રબારીકા, ખારચીયા સહિતના ગામોમાં કમોસમી વરસાદ થયો હતો. આ ઉપરાંત ગોંડલ, કોટડા સાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કરા સાથે વરસાદ ખબક્યો હતો.
રાજકોટ ઉપરાંત અમરેલી, ગીર-સોમનાથ, જુનાગઢ, ભાવનગર સહિતના જિલ્લાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. ગીર-સોમનાથના તાલાલામાં બે કલાકમાં દોઢ ઇંચ, પાટણ-વેરાવળમાં સવા ઇંચ, ઉના-સુત્રાપાડામાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. ગિરનાર પર્વત ઉપર પણ વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે લીલી પરિક્રમા કરી રહેલા શ્રદ્ધાળુઓને હાલકીનો સામનો કરવો પડ્યો હતો.
કમોસમી વરસાદથી ઘઉં, જીરું, ચણા, કપાસ, શાકભાજીને નુકસાન રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. હાલ રવિ પાકની સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતોએ ઘઉં, ચણા, જીરું, કપાસ સહિત શાકભાજીનું વાવેતર કર્યું છે. તેવામાં કમોસમી વરસાદને કારણે આ પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઇ છે.