૨૫મીએ રાજકોટ ન્યાયની માંગ સાથે શોકમય-રોષમય બંધ પાળશે
બનાસકાંઠાના વડગામનાં યુવા અને જાગૃત ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ‘ વોઈસ ઓફ ડે’ની મુલાકાતે
અગ્નિકાંડનાં પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે આંદોલન
રાજકોટ સજ્જડ બંધ પાળશે તો જ સરકારની આંખ ઉઘડશે
આગામી તા. ૨૫મીને મંગળવારે રાજકોટના અગ્નિકાંડને એક મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને હજુ સુધી પીડિત પરિવારોને ન્યાય મળ્યો નથી એટલે રાજકોટની પ્રજા આ દુર્ઘટનાની માસિક તિથીએ રોષપૂર્ણ અને શોકમય બંધ પાળશે તેવું કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ અને વડગામ ( બનાસકાંઠા)ના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ આજે એક ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું. જીજ્ઞેશ મેવાણી ઉપરાંત કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય અને સેવાદળનાં રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ દેસાઈ, યુવા નેતા પાલભાઈ આંબલિયા અને કોંગ્રેસના યુવા લડાયક નેતા રોહિતસિંહ રાજપૂત આજે વોઈસ ઓફ ડેની મુલાકાતે આવ્યા હતા અને રાજકોટ બંધના એલાન સંદર્ભે ચર્ચા કરી હતી.
ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે, રાજકોટના અગ્નિકાંડની ઘટનામાં મૃત્યુને ભેટેલા લોકોના આત્માની શાંતિ માટે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ ૭૨ કલાકના ધરણા કર્યા હતા અને હવે પીડિતોના પરિવારજનોને ન્યાય મળે તે માટે ૨૫મીએ રાજકોટ બંધનું એલાન આપ્યું છે. ૨૫મી તારીખે રાજકોટની ઘટનાને એક મહિનો પૂરો થાય છે અને તે નિમિત્તે આ એલાન આપવામાં આવ્યું છે.
તેમણે કહ્યું હતું કે, રાજકોટની ઘટનામાં સીટની રચના કરીને અમે કોઈને પણ નહી છોડીએ તેવી જાહેરાતો કરવામાં આવી છે પરંતુ હજુ સુધી માત્ર વર્કફોર્સ સામે જ પગલાં લેવામાં આવ્યા છે. આ ઘટના પાછળ જેમની ગુનાહિત બેદરકારી છે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પીડિત પરિવારોને આર્થિક વળતર આપીને કોઈ પણ સરકાર જવાબદારીમાંથી છટકી શકે નહી.
જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે, રાજકોટના અગ્નિકાંડમાં સીટની રચના કરવામાં આવેલ છે. તેના અધ્યક્ષ તરીકે સુભાષ ત્રિવેદીને જવાબદારી સોંપવામાં આવી છે જે પિડીતો સાથે મજાક સમાન છે. અગાઉ પણ સુરતની તક્ષશિલા કાંડ, મોરબી ઝુલતા પુલ કાંડ, સહીત પાંચ જેટલા ગંભીર બનાવમાં સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ સીટની રચના કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી એક પણ બનાવમાં પિડીતોને ન્યાય મળ્યો નથી. દરેક બનાવમાં માત્ર નાની માછલીઓને ફસાવવામાં આવી છે મગરમચ્છો તમામ બહાર ફરી રહ્યા છે. જો અગ્નિકાંડ પ્રકરણમાં સરકાર દ્વારા નિર્લિપ્તરાય, સુધા પાંડે અને સુજાતા મજમુદારને તપાસ સોંપવામાં આવશે તો પિડીતોને જરૂરી ન્યાય મળશે તેવું અમારું ચોક્કસ માનવુ છે.
અમારી આ માંગને વધુ બળવતર બનાવવા અને પીડિતોને પુરતો ન્યાય મળે તે માટે આ આંદોલન કરી રહ્યા છીએ તેમ જણાવતા જીજ્ઞેશ મેવાણી, લાલજીભાઈ દેસાઈ અને પાલભાઈ આંબલિયાએ કહ્યું હતું કે, રાજકોટ બંધનું એલાન રાજકોટની પ્રજાની સુખાકારી માટે છે, સલામતી માટે છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના બીજે કોઈ સ્થળે ન બને તે માટે છે. અમને આશા છે કે, રાજકોટની પ્રજા અમારી વાત અને પીડિતોની વ્યથા સમજશે અને બંધમાં સહકાર આપશે. રાજકોટ સજ્જડ બંધ પાળશે તો જ સરકારની આંખ ઉઘડશે.
તેમણે કહ્યું કે, અમે છેલ્લાં ઘણા દિવસથી અલગ અલગ રીતે પ્રજાજનો સાથે સંપર્ક કરીએ છીએ. અમે બહોળા પ્રમાણમાં પત્રિકાઓ વહેચી છે અને ડોર ટુ ડોર સંપર્ક પણ કર્યો છે. અમે રાજકોટમાં આ રીતે દોઢ લાખ લોકો સાથે વન ટુ વન સંપર્ક કરવાના છીએ અને મંગળવારે શાંતિ પૂર્ણ બંધ પાળવા માટે અપીલ કરવાના છીએ.
આ અગ્રણીઓએ એમ પણ કહ્યું હતુ કે, અમે દરેક પીડિત પરિવારને મળ્યા છીએ અને તેમની પણ માંગણીને સમર્થન આપીએ છીએ. આ બંધના એલાન પછી પણ જો સરકારની આંખ નહી ઉઘડે તો અમે વધુ અસરકારક આંદોલન કરશું અને સરકાર ઉપર દબાણ લાવશું.
તેમણે અંતમાં આ બંધના એલાનમાં રાજકોટની પ્રજાનો સહકાર પણ માગ્યો હતો.