હે રામ ! તીરંગાની લાકડીમાં `કમાઈ’ લેવાની દાનત !!
હર ઘર તીરંગા' કાર્યક્રમ અંતર્ગત મનપાએ કરેલા તીરંગા વિતરણની એક લાકડીનો ભાવ ૮.૭૯ આવતાં
ગોલમાલ’ની આશંકા: દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટેન્ડિંગ કમિટી
મોટામવાનો રોડ પહોળો કરવાની દરખાસ્ત હજુ પૂરતો અભ્યાસ થયા તેમજ માહિતી ન મળવાને કારણે સતત પાંચમી વખત પેન્ડીંગ: ઢોરમાલિકોને હાલ પૂરતી `રાહત’ આપતી મનપા
હાઉસિંગ પ્રોજેક્ટનો સોશ્યો ઈકો. સર્વે, વૉર્ડ નં.૧૧-૧૨ (પાર્ટ)માં ડે્રનેજ લાઈન નાખવા તેમજ પે એન્ડ પાર્કિંગ માટેની જગ્યાઓ ફાળવવાની દરખાસ્તમાં રિ-ટેન્ડર કરવા નિર્ણય
એજન્ડામાં સામેલ ૪૧માંથી ૩૫ દરખાસ્તને બહાલી આપી ૮.૭૪ કરોડના વિકાસકામો મંજૂર
ભારતનો કોઈ પણ નાગરિક તીરંગો જુએ એટલે તેની છાતી ગજ ગજ ફૂલવા લાગતી હોય છે પરંતુ અમુક લોકો એવા પણ હોય છે જેમને તીરંગાની લાકડીમાંથી પણ કમાણી કરી લેવાની દાનત' માનસમાં ઉછાળા મારતી હોય છે. આવું જ કંઈક મહાપાલિકામાં જોવા મળ્યું છે જેમાં તાજેતરમાં જ ૧૫ ઑગસ્ટે
હર ઘર તીરંગા’ કાર્યક્રમત અંતર્ગત ઘેર-ઘેર તીરંગાનું વિતરણ મનપા દ્વારા વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. હવે આ તીરંગાની ખરીદીના ચૂકવણાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આવતાં જ તીરંગાની લાકડીનો ભાવ અત્યંત ઉંચો હોવાનું લાગતાં જ દરખાસ્તને પેન્ડીંગ રાખી દેવામાં આવી છે. એકંદરે દરખાસ્ત પેન્ડીંગ રહેતા જ કમાણી કરી લેવાના મનસૂબા ઉપર એકંદરે પાણી ફરી વળ્યું છે તેવો ગણગણાટ પણ સાંભળવા મળ્યો હતો.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે મહાપાલિકા દ્વારા ૧.૪૨ લાખ તીરંગાની લાકડીની ખરીદી કરવામાં આવી હતી જે પૈકી એક લાકડીનો ભાવ ૮.૭૯ રૂપિયા ભરવામાં આવ્યો છે જે ઘણો ઉંચો હોવાને કારણે આ દરખાસ્ત પેન્ડીંગ રખાઈ છે. મહાપાલિકાને આ લાકડી રિયલ ગ્રાફીક, ક્રિષ્ના ટીમ્બર અને જય એજન્સી દ્વારા પૂરી પાડવામાં આવી હતી. સાડા ત્રણ ફૂટની લંબાઈ ધરાવતી આ લાકડીનો ભાવ ઉંચો હોવાને કારણે હવે તેની ખરાઈ કર્યા બાદ જ બિલ મંજૂર કરવામાં આવશે. આ ઉપરાંત રૂા.૪ લેખે ૧૦ હજાર તીરંગા પટ્ટી ખરીદવામાં આવી હતી. આ તમામનું બિલ મળીને ૧૨.૮૮ લાખ જેટલું થવા જાય છે જે હાલ અટકાવી દેવાયું છે.
જ્યારે અન્ય દરખાસ્તોની વાત કરવામાં આવે તો મોટામવાથી અવધ સુધીનો રોડ ૩૦ મીટરમાંથી ૪૫ મીટર કરવાની દરખાસ્ત સતત પાંચમી વખત પેન્ડીંગ રખાઈ છે. આ અંગે ચેરમેને જણાવ્યું કે હજુ પૂરતી માહિતી ન આવી હોવાને કારણે દરખાસ્ત અંગે નિર્ણય લેવાઈ શક્યો નથી. જ્યારે શહેરના તમામ હાઉસિંગ પ્રોજેક્ટસનો સોશ્યલ ઈકોનોમિક સર્વે કરવા માટેની દરખાસ્તનું રિ-ટેન્ડર કરવામાં આવશે કેમ કે આ માટે એક જ એજન્સીનું ટેન્ડર આવ્યું છે.
આવી જ રીતે રસ્તે રખડતાં ઢોર પકડાય તો તેના માલિકને ત્રણ ગણો દંડ ફટકારવાની દરખાસ્ત પણ પેન્ડીંગ રખાઈ છે. આ અંગે માલધારીઓની તમામ રજૂઆતો સાંભળવામાં આવશે અને કોઈને અન્યાય ન થાય તેની ચોકસાઈ કર્યા બાદ જ દરખાસ્ત અંગે નિર્ણય લેવાશે. આ ઉપરાંત શહેરમાં પે એન્ડ પાર્કિંગની ૫૬ જગ્યા માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું પરંતુ તેમાં અપસેટ પ્રાઈસ અત્યંત ઓછી હોવાને કારણે ફરીથી ટેન્ડર કરવાનો નિર્ણય કમિટી દ્વારા લેવાયો છે તો વૉર્ડ નં.૧૧ (પાર્ટ) અને વૉર્ડ નં.૧૨ (પાર્ટ)માં ડે્રનેજ લાઈન ફિટ કરવાના કોન્ટ્રાક્ટ માટે પણ રિ-ટેન્ડર કરવામાં આવશે. એકંદરે કમિટી દ્વારા એજન્ડામાં સામેલ ૪૧માંથી ત્રણ દરખાસ્ત પેન્ડીંગ, ત્રણ દરખાસ્તનું રિ-ટેન્ડર અને બાકીની ૩૫ દરખાસ્તોને બહાલી આપવામાં આવી છે.
રેલનગરમાં ૯૦ લાખના ખર્ચે બગીચો બનશે
સ્ટેન્ડિંગ કમિટીએ વૉર્ડ નં.૩ના રેલનગરમાં ટીપી સ્કીમ નં.૧૯, ફાઈનલ પ્લોટ નં.૨૧/એમાં ૯૦,૪૪,૯૯૧ રૂપિયાના ખર્ચે બગીચો બનાવવાની દરખાસ્તને મંજૂરી આપી છે. આ ઉપરાંત વૉડૅ નં.૧૧માં સ્પીડવેલ ચોકથી ઠાકર હોટલ સુધી ૯૯,૦૦,૪૩૬ના ખર્ચે ફૂટપાથ તેમજ સાઈડ સોલ્ડરમાં પેવિંગબ્લોક તેમજ ડક્ટ લાઈન નાખવામાં આવશે.
મનપાના કર્મીઓની હાજરી પૂરવા ૪૯ લાખના બાયોમેટ્રિક મશીન ખરીદાશે
મહાપાલિકામાં ફરજ બજાવતાં કર્મચારીઓની નિયિમત હાજરી પૂરવા માટે રૂા.૪૯,૪૦,૫૯૦ના ખર્ચે બાયોમેટ્રિક મશીનની ખરીદી કરવાની દરખાસ્તને મંજૂરી અપાઈ છે. આવી જ રીતે ત્રણેય ઝોનમાં ચોમાસા દરમિયાન રસ્તા પર પડી ગયેલા ગાબડા આધુનિક રીતે બૂરવામાં આવે તે માટે ૧.૧૬ કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી છે.