હવે રેશનકાર્ડ ધારકો ગામડે બેઠા રેશનકાર્ડનું ઈ-કેવાયસી કરાવી શકશે
રેશનકાર્ડ ધારકોને જિલ્લા, તાલુકા મથકે ધક્કો નહીં થાય : વિસીઈને વ્યક્તિદીઠ પાંચ રૂપિયા ચૂકવાશે
રાજકોટ : સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રાજકોટ સહિત રાજ્યભરમાં તમામ રેશનકાર્ડ ધારકોનું ઈ-કેવાયસી કરવા આદેશ આપતા રાજ્યના પુરવઠા વિભાગે ઝોનલ કચેરી, મામલતદાર કચેરી તેમજ મોબાઈલ એપ્લિકેશન મારફતે ઈ-કેવાયસી કરવાની વ્યવસ્થા ગોઠવવા છતાં નિયત સમયમાં ઈ-કેવાયસીની કામગીરી ન થઇ શકતા અંતે હવે તમામ ગામડે-ગામડે ગ્રામપંચાયતના વિસીઈ મારફતે રેશનકાર્ડના ઈ-કેવાયસી કરવા નિર્ણય લીધો છે જેથી ગામડે વસવાટ કરતા રેશનકાર્ડ ધારકોને ઈ-કેવાયસી માટે શહેર-તાલુકાનો ધક્કો નહીં થાય.
ભારત સરકાર દ્વારા સાચા રેશનકાર્ડ ધારકોની ઓળખ માટે રેશનકાર્ડ સાથે આધારકાર્ડ સિડિંગ કરવાની કાર્યવાહી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા પણ 31-05-2024 સુધીમાં તમામ એનએફએસએ અને નોન એનએફએસએ રેશનકાર્ડ ધારકોનું ઈ-કેવાયસી કરવા આદેશ આપ્યો હોવા છતાં આ કામગીરી પૂર્ણ નથી થઈ, વધુમાં ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ મામલે હવે ગ્રામપંચાયતના વિસીઈ મારફતે કામગીરી કરવા નક્કી કરવામાં આવ્યું છે જેથી ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા રેશનકાર્ડ ધારકો ગ્રામપંચાયત ખાતે જઈ પોતાના રેશનકાર્ડ ઈ-કેવાયસી કરાવી શકશે.
વધુમાં ગુજરાત સરકારના પુરવઠા વિભાગ દ્વારા 13 જૂનના રોજ ખાસ પરિપત્ર કરી તમામ જિલ્લાઓમાં રેશનકાર્ડ ઈ-કેવાયસી કામગીરી માટે તમામ પંચાયતના વિસીઈ એટલે કે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરોને કામગીરીમાં જોડવા અને પ્રત્યેક વ્યક્તિના ઈ-કેવાયસી બદલ રૂપિયા 5 નો ખર્ચ સરકાર ભોગવશે અને આ માટે 31.50 કરોડ રૂપિયાનો ખર્ચ પણ મંજુર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.