રાજકોટ : પુરવઠા ગ્રામ્ય ગોડાઉન અને કુવાડવા GIDCમાં ત્રાટકતુ ફૂડ એન્ડ ડ્રગ
- મધ્યાહન ભોજન યોજનામાં સપ્લાય કરવામાં આવતા અનાજ અને કઠોળ સહિતની ચીજવસ્તુઓના નમૂના લેવાયા
રાજકોટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજ્ય સરકાર દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકોને મધ્યાહન ભોજન યોજના હેઠળ પીરસવામાં આવતા ભોજન તૈયાર કરવામાં વપરાતા અનાજ અને કઠોળના મોટાપાયે નમૂના લેવામાં આવ્યા હતા.ફૂડ અને ડ્રગ વિભાગે પુરવઠા વિભાગના ગોડાઉન તેમજ કુવાડવા જીઆઈડીસીના સપ્લાયરોને ત્યાં આ કાર્યવાહી કરી હતી.
મધ્યાહન યોજના હેઠળ શાળાના બાળકોને પીરસવામાં આવતો ખોરાક તૈયાર કરવામાં વપરાતા અનાજ કઠોળને લઈ અગાઉ અનેક વિવાદો સર્જાયા છે ત્યારે રાજકોટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમોએ રાજકોટ પુરવઠા વિભાગના ગ્રામ્ય ગોડાઉન ઉપરાંત કઠોળ સહિતની ચીજ વસ્તુઓ સપ્લાય કરતી કુવાડવા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સપ્લાયર પેઢીઓમાંથી અલગ અલગ કઠોળ અને ઘઉં સહિતના આનાજના 20 નમૂના લઈ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.