સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાં જીવાત મામલે કોન્ટ્રાક્ટરને નોટિસ
હોસ્ટેલમાં પાણીની સમસ્યા નિવારવા મહાનગર પાલિકા પાસે વધુ પાણી મંગાયું
રાજકોટ : પાંચેક દિવસ પૂર્વે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક આવેલ સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાં જીવાત નીકળવા તેમજ પાણી મામલે વિદ્યાર્થીનીઓએ હલ્લાબોલ મચાવ્યા બાદ સમરસ છાત્રાલયની લોકલ મેનેજમેન્ટ સમિતિ દ્વારા ભોજન પીરસવાનો કોન્ટ્રાકટ ધરાવતી પ્રમુખ જનરલ ટ્રેડર્સ નામની પેઢીને નોટિસ ફટકારી ખુલાસો પૂછવાની સાથે હવેથી આવી ફરિયાદ મળ્યે તમામ ભોજનનો નાસ કરી નવું ભોજન પીરસવા માટે તાકીદ કરવાની સાથે પાણીની સમસ્યા ઉકેલવા માટે રાજકોટ મહાનગર પાલિકાને વધુ પાણી આપવા જણાવવામાં આવ્યું હોવાનું કમિટીના અધ્યક્ષે જણાવ્યું હતું.
અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓને ગુજરાતના મોટા શહેરોમાં અભ્યાસ કરવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે સમરસ હોસ્ટેલની યોજના શરૂ કરી છે.જે અન્વયે રાજકોટમાં ૧૦૦૦ કુમાર તથા ૧૦૦૦ કન્યાઓની ક્ષમતા સાથેનું સમરસ છાત્રાલય કાર્યરત છે પરંતુ અહીં કોન્ટ્રાકટર દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય ભોજન પીરસવામાં આવતું નહોવાની સાથે ભોજનમાં જીવાત નીકળતી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે પાંચેક દિવસ પૂર્વ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાં જીવાત નીકળવાની સાથે પાણી આવતું બંધ થઇ જતા વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યું હતું.
બીજી તરફ સમગ્ર મામલે સમાજ કલ્યાણ વિભાગના નિયામક અને સમરસ છાત્રાલયની લોકલ મેનેજમેન્ટ સમિતિના અધ્યક્ષ એ.જે.ખાચરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીનીઓની ફરિયાદ બાદ સમરસ કન્યા છત્રાલયમાં ભોજન પીરસનાર અમદાવાદની પ્રમુખ જનરલ ટ્રેડર્સ નામની પેઢીને નોટિસ ફટકારી ખુલાસો પૂછવાની સાથે હવેથી આવી ફરિયાદ મળ્યે તમામ ભોજનનો નાસ કરી નવું ભોજન પીરસવા તાકીદ કરવામાં આવી હોવાનું જણાવી પાણીની સમસ્યા નિવારવા હાલમાં ટેન્કર મંગાવવાની સાથે આરએમસીને વધુ પાણી આપવા જણાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.