સદર બજારમાં ચીનનો એકેય ફટાકડો-દીવડો નહીં વેંચાય
મોંઘું ભલે પડે, વેચશું તો ભારતનું જ
`લોકલ ફોર વોકલ’ ઝુંબેશ અંતર્ગત વેપારીઓનો આવકારદાયક નિર્ણય: ફટાકડામાં ૨૦ રૂપિયા, દીવડામાં ૧૦% ભાવફેર છતાં ચીનના માલને જાકારો: ગ્રાહકો પણ દેશહિતનું વિચારે તે જરૂરી
લોકો જેની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે તે દિવાળીના તહેવારને હવે આઠ દિવસનો સમય બાકી છે ત્યારે બજારમાં ખરીદીનો કરંટ' દેખાવાનું શરૂ થઈ ચૂક્યું છે. દિવાળી જેના વગર અધૂરી છે તે ફટાકડા અને દિવડા સહિતની વસ્તુઓથી બજારો ઉભરાઈ રહી છે. આમ તો પાછલા ઘણા વર્ષોથી રાજકોટમાં ચાઈનાના ફટાકડા, દિવડા સહિતની વસ્તુઓ કે જે ચાઈનામાં બન્યા બાદ ભારત આવતી હતી અને ભારત આવ્યા બાદ દેશના અલગ-અલગ રાજ્યોમાં વેચાઈ રહ્યા હતા. જો કે ભારત-ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવભર્યા સંબંધો વ્યાપી ગયા હોવાથી રાજકોટના વેપારીઓ દ્વારા ચાઈનીઝ ફટાકડા કે દિવડા નહીં જ વેચવાનો આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. ખરીદી માટે લોકોની
ફેવરિટ’ એવી સદર બજારમાં મોટાપાયે ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે અહીં ફટાકડા તેમજ દિવડાનું વેચાણ કરતાં વેપારીઓએ મક્કમ બનીને નિર્ણય લીધો છે કે ભલે મોંઘું પડે પરંતુ ચાઈનાથી બનીને આવેલી એકેય વસ્તુ વેચવામાં આવશે નહીં. વેપારીઓએ જણાવ્યું કે ચાઈનીઝ અને ભારતના ફટાકડાના ભાવમાં ૧૦થી ૨૦ રૂપિયાનો ફરક આવે છે મતલબ કે ભારતમાં બનેલા ફટાકડા ચાઈનીઝ ફટાકડા કરતાં ૧૦થી ૨૦ રૂપિયા મોંઘા હોય છે આમ છતાં તેની પરવા કર્યા વગર ભારતીય બનાવટના ફટાકડા જ ખરીદીને વેચવામાં આવશે.
આવી જ રીતે દિવડા પણ ચાઈનીઝ બનાવટના હોય છે જેનું સદર બજારમાં વેચાણ થઈ રહ્યું છે ત્યારે ફટાકડાના વેપારીઓની સાથે જ દિવડાનું વેચાણ કરતા વેપારીઓએ ભારતની બનાવટના દીવડા જ વેચવાનું નક્કી કર્યું છે. વેપારીઓએ જણાવ્યું કે ભારત અને ચાઈનીઝ દીવડાના ભાવમાં ૧૦%નો ફરક હોય છે એટલે અમને મોંઘા જરૂર પડશે પરંતુ દેશ માટે અમે તેની પરવા નહીં કરીએ. સાથે સાથે ગ્રાહકો પણ દેશહિતમાં ચાઈનીઝ વસ્તુઓની માંગણી ન કરે અને દેશ માટે ૧૦થી ૨૦ રૂપિયાનો વધારો સહન કરે તે જરૂરી બની જાય છે.