ભાજપના એકેય કોર્પોરેટરમાં ગેઈમ ઝોનનો પ્રશ્ન પૂછવાની હિંમત નથી !
૧૮મીએ મનપાનું જનરલ બોર્ડ
ભાજપના ૧૭ કોર્પોરેટરે ૩૨ પ્રશ્નો પૂછયા પણ કેવા ? કેન્દ્ર સરકારે કેટલી ગ્રાન્ટ આપી, એક્શન પ્લાન હેઠળ કેટલી કામગીરી થઈ ? કોમ્યુનિટી હોલના બુકિંગ, નળ કનેક્શન નામ ફેર માટે શું કરવું ? સહિતના પરચુરણ' જેવા !
કોંગ્રેસે ગેઈમ ઝોન, મચ્છરજન્ય રોગચાળો, સાગઠિયાએ કેટલી ટીપી સ્કીમ બનાવી સહિતના
અણિયાળા’ પ્રશ્નો પૂછયા: પહેલાં ક્રમે ભાજપનો પ્રશ્ન હોવાથી તેમાં જ બોર્ડ આટોપાઈ જવાની શક્યતા
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ સર્જાઈ ગયા બાદ ભીંસમાં મુકાઈ ગયેલા ભાજપના એકેય કોર્પોરેટરમાં ગેઈમ ઝોનને લગત પ્રશ્ન પૂછવાની હિંમત નથી ! આ વાત એટલા માટે કેમ કે આગામી ૧૮ જૂલાઈએ મહાપાલિકાનું જનરલ બોર્ડ મળી રહ્યું છે જેમાં ભાજપના ૧૭ કોર્પોરેટરોએ ૩૨ પ્રશ્નો પૂછયા છે પરંતુ તેમાં ગેઈમ ઝોનને લગત એક પણ પ્રશ્ન નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાજપે દર વખતની જેમ આ વખતે પણ `પરચુરણ’ ગણી શકાય તેવા પ્રશ્ન પૂછવાનો જ સિલસિલો યથાવત રાખ્યો છે. વળી, પ્રશ્નોત્તરીમાં પ્રથમ ક્રમે ભાજપના જ કોર્પોરેટરનો પ્રશ્ન આવ્યો હોવાથી તેમાં જ બોર્ડનો એક કલાકનો સમય પસાર કરી લેવામાં આવે તેવી શક્યતા નકારી શકાતી નથી કેમ કે જો આ પ્રશ્ન વહેલો પૂરો થઈ જશે તો બીજા જ ક્રમે કોંગ્રેસના કોર્પોરેટરનો પ્રશ્ન છે અને તે પણ ગેઈમ ઝોનને લગતો હોવાથી ભાજપે ઘેરાઈ જવા જેવી સ્થિતિ નિર્માણ પામી શકે છે !
ભાજપ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોમાં કેન્દ્ર સરકારે કેટલી ગ્રાન્ટ આપી છે, એક્શન પ્લાન હેઠળ કેટલી કામગીરી થઈ કોમ્યુનિટી હોલના બુકિંગ, મિલકત અને નળ કનેક્શનમાં નામ ફેર કરવા માટે શું પ્રક્રિયા કરવી સહિતના પ્રશ્નો જ પૂછયા છે.
બીજી બાજુ કોંગ્રેસ આ વખતે ભાજપને બરાબરનું ભીંસમાં લેવાની તૈયારી સાથે જ બોર્ડમાં આવશે અને તેના દ્વારા ગેઈમ ઝોન, મચ્છરજન્ય રોગચાળો, સસ્પેન્ડેન્ડ ટીપીઓ સાગઠિયાએ કેટલી ટીપી સ્કીમ બનાવી સહિતના અણિયાળા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે.
બોર્ડમાં ૧૦ દરખાસ્તો પણ મુકવામાં આવી છે જેમાં મનસુખ સાગઠિયા તેમજ સસ્પેન્ડેડ સીએફઓ ઈલેશ ફેરને ફરજમાંથી સસ્પેન્ડ કર્યાનો રિપોર્ટ ઉપરાંત નાનામવાના વિવાદિત પ્લોટનો સોદો રદ્દ કરવા સહિતનો સમાવેશ થાય છે.