ભાજપમાં નોનસ્ટોપ લેટરકાંડ: હવે જિલ્લા ભાજપ પ્રભારી હડફેટે ચડ્યા !
અમરેલી હજુ ગરમ' છે ત્યાં રાજકોટમાં પત્રરૂપી
આગ’ શરૂ થતાં નવી ચર્ચાઓ-અટકળો
આક્ષેપિત નેતા પોતાને ગૃહમંત્રીના નજીક ગણાવી પૈસા કટકટાવી રહ્યાનો, રંગીન' મીજાજી નેતા મહિલા કાર્યકરોને મધરાત્રે ફોન કરવા-એકાંત માણવા બોલવી રહ્યાનો પણ આક્ષેપ
શિસ્તબદ્ધ પક્ષની ગણતરીમાં સામેલ ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી લેટરકાંડ શરૂ થયો હોય પક્ષની આબરૂને જબદરસ્ત ધક્કો લાગી રહ્યો છે. અમરેલીના ધારાસભ્ય તેમજ વિધાનસભાના દંડક કૌશિક વેકરિયાના વિરુદ્ધમાં લખાયેલા પત્રના પડઘા હજુ શમ્યા નથી અને ટૂંક સમયમાં આ મુદ્દે ધડાકા-ભડાકા થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે હવે રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી હડફેટે ચડી ગયા હોય તેવી રીતે તેમના વિરુદ્ધ એક ધગધગતો પત્ર સોશ્યલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ જતાં નેતાઓ-કાર્યકરોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ પત્ર સૌરાષ્ટ્રના ૨૫ વર્ષ જૂના પાર્ટીના કાર્યકરો દ્વારા લખવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી બાજુ આ પત્ર વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી, પ્રદેશ રાષ્ટ્રીય પ્રમુખ સહિતનાને પણ રવાના કરવામાં આવ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ પત્રમાં એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી અને હાલમાં સંગઠન પર્વના પ્રદેશના ચૂંટણી સહ ઈન્ચાર્જ દ્વારા એક બાદ એક પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.
આ નેતાને જવાબદારી મળતાંની સાથે જ તેમણે સૌથી પહેલા રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદે બેસાડવા માટે કોંગ્રેસના એક નેતા પાસેથી સાત આંકડામાં વહીવટ કર્યા હતો અને પછી તે નેતાને ચેરમેન બનાવી દીધા હતા. આ કામ માટે જિલ્લા ભાજપના એક નેતા દ્વારા મદદ કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ પત્રમાં કરાયો છે. આ નેતા દ્વારા મહિલા મોરચાના કાર્યકરો સાથે પણ અભદ્ર ભાષામાં વાત કરવા માટે ટેવાયેલા હોવાનો ઉલ્લેખ પત્રમાંકરવામાં આવ્યો છે. આ નેતાએ ભલામણવાળા નાતોને જ વોર્ડના પ્રમુખ બનાવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે ઘણા પીઆઈ અને પીએસઆઈ તેમજ અન્ય સરકારી વિભાગના કર્મચારીઓને
ગૃહમંત્રી હર્ષ સંઘવી મારા જૂના મીત્ર છે અને મારા ભાગીદાર પણ છે, મારે તેમની સાથે અંગત પારિવારિક સંબંધો છે, તમારી મનગમતી જગ્યાએ બદલી કરાવી આપીશ’ કહી પાંચથી ૧૪ લાખ સુધીનો વહીવટ કર્યો હોવાનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે.
વળી, આ નેતા એવું પણ કહેતા ફરે છે કે રત્નાકરજીના કહેવાથી પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું રાજકારણ પણ પતાવી દીધું છે અને હજુ ઘણા નેતાઓની કારકીર્દિ પતાવી દેવાની છે ! આ સહિતના આક્ષેપો સાથેનો પત્ર અત્યારે સોશ્યલ મીડિયામાં ફરી રહ્યો હોય નવી ચર્ચાએ જોર પકડી લીધું છે.