કંઈ પણ થાય, રાજકોટને પાણીની તકલીફ નહીં પડે…આ મારી ગેરંટી !
ગાંધીનગરમાં મંત્રીઓને મળ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની પાણીદાર' જાહેરાત પેટા: શાસકોએ સરકારને કહ્યું, કાં કેનાલનું રિપેરિંગ મોકુફ રાખો, કાં તો
રસ્તો’ કાઢો
સરકાર દ્વારા એપ્રિલમાં નર્મદા કેનાલ રિપેરિંગનું મુહૂર્ત' કાઢવામાં આવ્યું હોય જેના કારણે રાજકોટને મળતાં નર્મદા નીરના
ધાંધિયા’ સર્જાવાની ભીતિ પામી જતાં ધારાસભ્યો તેમજ મહાપાલિકાના શાસકોએ ગાંધીનગર ભણી દોટ મુકી હતી. ગાંધીનગરમાં બબ્બે મંત્રીઓ સાથે આ મુદ્દે અડધો કલાક સુધી બેઠક કર્યા બાદ પરત ફર્યા બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કંઈ પણ થશે પરંતુ રાજકોટને પાણીની તકલીફ પડવા દેશું નહીં, આ મારી ગેરંટી છે !
આ અંગે જયમીન ઠાકરે ઉમેર્યું કે ધારાસભ્ય ઉદય કાનગડ, ડૉ.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા ઉપરાંત મેયર, ડેપ્યુટી મેયર, વોટર વર્કસ સમિતિના ચેરમેન સહિતના પદાધિકારીઓએ મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ અને કુંવરજીભાઈ બાવળિયા સાથે નર્મદા કેનાલના રિપેરિંગને કારણે રાજકોટમાં ઉભી થનારી પાણીની સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. પદાધિકારીઓ દ્વારા સરકારને સ્પષ્ટ કહેવાયું હતું કે કાં તો કેનાલનું રિપેરિંગ મોકુફ રાખો અને જો એ શક્ય ન હોય તો પછી અન્ય ડેમ મારફતે રાજકોટ સુધી નિયમિત અને પૂરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરતો `રસ્તો’ કાઢો.
એકંદરે સરકાર તરફથી હકારાત્મક પ્રતિભાવ મળ્યો હોવાને કારણે રાજકોટમાં પાણીની કોઈ જ પ્રકારની મુશ્કેલી પડવા દેવાશે નહીં તેવો વિશ્વાસ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને વ્યક્ત કર્યો હતો.