“ચાઈનીઝ-પંજાબી-ઈટાલિયન વાનગી ગમે એટલી આવે, અમારી ગુજરાતી થાળીને કોઈ જ નહીં પહોંચી શકે” !!
ઈસ્ટ ઓર વેસ્ટ ગુજરાતી થાળી બેસ્ટ: ગુજરાતી ખાણું, વિશ્વ આખા માટે ઘરેણું'
રાજકોટમાં ૨૫ રૂપિયાથી શરૂ થયેલી ગુજરાતી થાળી આજે અધધ ૫૦૦ સુધી પહોંચી ગઈ છતાં નાની-મોટી હોટેલો મળી રોજ એક ટાઈમમાં ૨૦૦૦ લોકો ઝાપટી જતાં હોવાનો અંદાજ પેટા: ૧૦ લોકોને એક પંગતમાં બેસાડવામાં આવે અને તેમને ગુજરાતી-પંજાબી-ચાઈનીઝ-ઈટાલિયનની ઑફર કરાય તો ૧૦૦% ગેરંટી સાથે કહી શકાય કે ૧૦માંથી ૭ લોકો ગુજરાતી વાનગીઓ જ માંગશે પેટા: ક્યાંક બે તો ક્યાંક ચાર...વળી ક્યાંક છ તો ક્યાંક આઠ-આઠ ગુજરાતી શાક પીરસાય છે; સાથે જ મીઠાઈ-ફરસાણ-અથાણું-સંભારો-છાશ-તળેલાં મરચાં-ગોળ-માખણ સહિતની વાનગીઓથી થાળી બને છે
ભરપૂર’
ઈસ્ટ ઓર વેસ્ટ…ગુજરાતી થાળી ઈઝ ધ બેસ્ટ, ગુજરાતી ભાણું, વિશ્વ આખામાં અમારું ઘરેણું…આ સહિતના વાક્યો એકલા રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત કે ફલાણા ફલાણા ગામ, શહેર, જિલ્લામાં નહીં બલ્કે આખા દેશ-દુનિયામાં સાંભળવા મળી જ રહ્યા હશે કેમ કે લગભગ એકેય દેશ એવો નહીં હોય જ્યાં ગુજરાતી વસવાટ કરતા ન હોય…જો એકલા રાજકોટની જ વાત કરવી હોય તો અહીં છેલ્લા ઘણાય સમયથી પંજાબી, ચાઈનીઝ, ઈટાલિયન, પીત્ઝા, બર્ગર, ફ્રેન્ચફ્રાય સહિતની વાનગીઓ લોકોની દાઢે વળગી છે અને તેને બિન્દાસ્તપણે ખાવામાં પણ આવી રહી છે. જો કે એક વાત છાતી ઠોકીને કહી શકીયે કે બહારની વાનગી ગમે એટલી આવે પરંતુ અહીં ગુજરાતી થાળીનું સ્થાન અકબંધ છે, તેને કોઈ જ ન પહોંચી શકે…ન પહોંચી શકે કે ન જ પહોંચી શકે…
એક સમય હતો જ્યારે ગુજરાતી થાળી એકાદ-બે રૂપિયામાં આવી જતી હતી. જેમ જેમ સમય ગયો તેમ તેમ ભાવ વધતો ગયો અને આજની તારીખે રાજકોટમાં ગુજરાતી થાળી ૨૫ રૂપિયાથી શરૂ થઈ ૫૦૦ રૂપિયામાં વેચાઈ રહી છે જેને દરરોજ એક ટાઈમમાં જ ૨૦૦૦ જેટલા લોકો ખાઈ રહ્યા હોવાનો અંદાજ છે. ગુજરાતી થાળી આમ તો રેંકડીથી લઈ મોટી-મોટી હોટેલોમાં વેચાઈ રહી છે અને ક્યાંય પણ આ થાળી ખાવામાં મંદી હોય તેવું કોઈ વાર સાંભળવા મળ્યું નથી અને કદાચ ભવિષ્યમાં સાંભળવા મળશે પણ નહીં.
અત્યારે ૧૦ લોકોને એક પંગતમાં બેસાડવામાં આવે અને તેમને ગુજરાતી-પંજાબી-ચાઈનીઝ-ઈટાલિયન સહિતની વાનગીઓની પેશકશ (ઑફર) કરાય તો ૧૦૦% ગેરંટી સાથે કહી શકાય કે આ ૧૦માંથી ૭ લોકો ગુજરાતી થાળીની જ માંગણી કરશે…આવો છે આપણી ગુજરાતી થાળીનો વૈભવ !
રાજકોટમાં અત્યારે કોઈ જગ્યાએ બે શાક, દાળ-ભાત, રોટલી, છાશ, પાપડ, સંભારા સાથેની થાળી પીરસાય છે તો વળી ક્યાંક શાકની સંખ્યા ચાર છે તો ક્યાંક વળી છ શાક આપવામાં આવે છે અને ક્યાંક ક્યાંક તો ૧૧ શાકથી થાળી પર પીરસવામાં આવતી હોવાનું ધ્યાન પર આવી રહ્યું છે. આ સાથે જ મિઠાઈ, ફરસાણ, અથાણા, ગોળ, ઘી, માખણ સહિતની પૌષ્ટીક વાનગીઓ `એકસ્ટ્રા કોર્સ’માં અપાતી હોવાથી લોકો એક થાળી ખાઈને જ જે પ્રમાણે સંતોષનો ઓડકાર લ્યે છે તે જ આપણી આ વાનગીની સફળતાની ગવાહી પૂરે છે !!
શહેરમાં પહેલી ગુજરાતી થાળી ૧૯૬૫માં રમાકાંત હોટેલે તૈયાર કરી’તી
રાજકોટમાં છેલ્લા ૫૮ વર્ષથી ગુજરાતી થાળીનું વેચાણ થઈ રહ્યું છે. આમ તો અહીંના લોકોને ગુજરાતી થાળીનો પહેલો `ટેસ્ટ’ ધર્મેન્દ્ર રોડ ઉપર તે સમયે આવેલી રમાકાંત હોટેલ દ્વારા કરાવવામાં આવ્યો હતો. આ પછીથી શહેરમાં અલગ-અલગ નાની-મોટી હોટેલો શરૂ થઈ હતી જ્યાં ગુજરાતી થાળી તૈયાર કરાતી હતી જે સંખ્યા આજની તારીખે ૧૫૦૦ જેટલી પહોંચી ગઈ હોવાનો એક અંદાજ છે.
અરે, રાજકોટ કે ગુજરાત-દેશ છોડો…થાઈલેન્ડ-દુબઈ-કુવૈત સહિત વિદેશમાં પણ ગુજરાતી ફેવરિટ' એવું નથી કે રાજકોટ સહિત ગુજરાત અને દેશભરમાં જ ગુજરાતી થાળીની બોલબાલા છે...હવે તો થાઈલેન્ડ, દુબઈ, કુવૈત સહિતના વિદેશમાં પણ ગુજરાતી થાળી
ફેવરિટ’ બની ગઈ છે અને લોકો વિદેશ ફરવા જાય ત્યાં પેકેજમાં ગુજરાતી થાળી સામેલ છે કે નહીં તેનું ચેકિંગ પહેલાં કરે છે અને વિદેશના લોકો પણ આપણી વાનગી તરફ એટલા વળી રહ્યા છે.
ગુજરાતી થાળીમાં શું શું છે સ્પેશ્યલ
- ઉંધીયું
- રજવાડી ઢોકળી
- ગાંઠીયાનું શાક
- પુરણપોળી
- દાળ-ભાત, કઢી-ભાત
- મીક્સ ભજીયા
- સેવ-ટમેટા
- રીંગણાનો ઓળો
- રીંગણા-બટેટા
- ભરેલા રીંગણા-બટેટા
- લીલા ચણાનું શાક
- ભરેલો ભીંડો
- લસણીયા બટેટા
- થેપલા-સુકી ભાજી
- દહીં-તીખારી
- ડુંગળીનું શાક
- પંચરત્ન દાળ
(નોંધ: આમ તો અહીં લખી ન શકાય એટલી વાનગીઓ ગુજરાતી થાળીમાં સામેલ છે)