હેલ્મેટ પહેર્યા વગર પોલીસ સ્ટાફને કચેરીમાં નો-એન્ટ્રી
દરેક પોલીસ અધિકારી-જવાન માટે હેલ્મેટ ફરજિયાત કરતા અમદાવાદ પોલીસ કમિશનર મલિક
હેલ્મેટ વગર ટુ-વ્હીલર ચલાવનાર સામે મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે કાર્યવાહી કરાશે: અમદાવાદ બાદ હવે અન્ય શહેરોમાં અમલ થશે શરૂ
હાઈકોર્ટ દ્વારા અકસ્માતના વધી રહેલા બનાવને ધ્યાનમાં રાખી હેલ્મેટ ફરજિયાત કરવાને લઈને એક નહીં બલ્કે અનેક વખત સરકારની ઝાટકણી કાઢ્યા બાદ હવે `ઘરથી જ શરૂઆત’ના ભાગરૂપે પોલીસ દ્વારા હેલમેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ શરૂઆત અમદાવાદ પોલીસથી કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ રાજકોટમાં પણ આ નિયમ લાગુ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યા પ્રમાણે દરેક પોલીસ સ્ટેશન, શાખા, કચેરી, યુનિટમાં જે અધિકારી, કર્મચારી, સિવિલિયન સ્ટાફ સહિત યુનિફોર્મમાં કે સિવિલ ડે્રસમાં હોય, પોતાની ફરજના સ્થળે તેમજ અન્ય સ્થળે અવર-જવર કરવા માટે ટુ-વ્હીલરનો જાતેથી ઉપયોગ કરે તેવા તમામ સ્ટાફે હેલમેટ પહેરવાનું રહેશષ. આ નિયમ અધિકારીઓને પણ લાગુ પડશે.
આ ઉપરાંત પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતાં પોલીસ અધિકારી-કર્મચારી-સ્ટાફે પણ હેલમેટ પહેરવું જ પડશે. જો કોઈ હેલમેટ પહેર્યા વગર આવશે તો તેમને કચેરીમાં એન્ટ્રી અપાશે જ નહીં. જો કોઈ પોલીસ અધિકારી કે સ્ટાફ આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેની સામે મોટર વ્હીકલ એક્ટ મુજબ દંડ સહિતની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.