રાજકોટ સિવિલમાં નાઈટ ડ્યૂટીના મહિલા ડોકટરોને કોઈ ભય નથી,સુરક્ષા મજબૂત છે
કોલકતાની ઘટના પછી રાજકોટની સરકારી હોસ્પિટલમાં રાત્રે શુ સુરક્ષા હોય છે તેની તપાસ
વોર્ડમાં એક્સ-આર્મીમેનને ફરજ સોંપાતા તબીબોએ વધુ સુરક્ષા અનુભવી : સીસીટીવી કેમેરામાં હજુ પણ વધારો નથી કરાયો : દર્દીના સગા માટે પાસ સિસ્ટમ કરાતા રાત્રીના તબીબો સાથે માથાકૂટ થવાના બનાવો ઘટ્યા
કોલકતામાં મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરવામાં આવી હોવાના બનાવના પડઘા ગુજરાત સુધી પડ્યા હતા.અને તબીબીના પરિવારને ન્યાય અપાવવા માટે તબીબોએ ઠેર ઠેર હડતાલ પણ પાડી હતી.ઉપરાંત હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજમાં તબીબોની સુરક્ષા વધારમાં માટે પણ માંગ કરી હતી.માંગણીઓને સ્વીકારી લેતા હડતાલ સમેટી લેવામાં આવી હતી.ત્યારે રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજમાં સુરક્ષાને લઇ કેવા પગલાઓ લેવાયા છે.તેમજ તબીબો આ કાર્યવાહીથી ખુશ છે કે કેમ તે વિશે ‘વોઇસ ઓફ ડે’એ જુનિયર તબીબો તેમજ તબીબી અધિક્ષક પાસેથી માહિતી મેળવી હતી.
રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલના 350 જેટલા જુનિયર રેસિડેન્ટ તબીબો દ્વારા કોલકતાની પીડિતાના પરિવારને ન્યાય અપાવવા માટે અને હોસ્પિટલમાં તબીબોની સુરક્ષા વધારવા માટે હડતાલ પાડવામાં આવી હતી.અને માંગણીઓ સ્વીકારી લેતા હડતાલને પૂર્ણ કરી દેવામાં આવી હતી. ત્યારે આ બનાવના એક માસ બાદ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં સુરક્ષામાં કેટલો વધારો કરવામાં આવ્યો છે.તેની તપાસ કરતાં માહિતી મળી હતી કે,હાલ હોસ્પિટલના અનેક વિભાગોમાં સીસીટીવી કેમેરા પૂરતી માત્રામાં ન હોવાથી તેનો વધારો કરવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા થોડા સમયમાં જ નવું ટેન્ડર બહાર પાડવામાં આવાનું છે.જે બાદ પૂરતા પ્રમાણમાં સીસીટીવી ઉપલબ્ધ થઈ જશે.તો બીજી બાજુ હાલ માત્ર 119 જ સિક્યુરિટીનો સ્ટાફ ઉપલબ્ધ છે.જેનો વધારો કરવા માટે પણ તંત્ર દ્વારા ગાંધીનગર જાણ કરી દેવામાં આવી છે.ઉપરાંત ઇમરજન્સી વિભાગમાં ફરજ પર રહેલા મહિલા તબીબને જો થોડી વાર માટે આરામ કરવો હોય તો તેના માટે સુરક્ષિત રેસ્ટ રૂમની વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે.જયારે જો કોઈ દર્દી દાખલ હોય તો તેમના બે સગાને જ મળવા માટેના પાસ આપવામાં આવ્યા છે.અને તબીબોને પણ તેમનું આઈકાર્ડ બતાવ્યા બાદ જ વોર્ડમાં એન્ટ્રી આપવામાં આવે છે.જેથી હાલ છેલ્લા એક માસમાં હોસ્પિટલ દ્વારા સુરક્ષાને લઇ જે પગલાં લેવામાં આવ્યા છે.તેને લઇ તબીબો સંપૂર્ણ સંતુષ્ટ હોવાનું માલૂમ પડ્યું છે.
મેડિકલ કોલેજમાં દિવસની જેમ રાત્રિના પણ સિક્યુરિટી જડબેસલાક હોવી જોઈએ : ડો.વિશ્વજિત (જુનિયર રેસિડેન્ટ)
હોસ્પિટલમાં વધારવામાં આવેલી સુરક્ષા બાબતે ‘વોઇસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જે.ડી.યુના વાઇસ પ્રેસિડેન્ટ ડો.વિશ્વજિતે જણાવ્યું હતું કે,એક માસ બાદ ઘણા નિયમોમાં ફેરફાર કરીને સિક્યુરિટીમાં વધારો કરાયો છે.ઇમરજન્સી વિભાગમાં પણ હવેથી એક્સ-આર્મીમેન અને હથિયારધારી એસ.આર.પીના જવાનો ને રાખવામાં આવ્યા છે.અને મેડિકલ કોલેજમાં પણ સિક્યુરિટી ગાર્ડની સંખ્યા વધારી દેવામાં આવી છે.પરંતુ રાત્રિના મેડિકલ કોલેજમાં સિક્યુરિટીનો થોડો અભાવ જોવા મળી રહ્યો છે.જેથી દિવસની જેમ અહીં સિક્યુરિટી રાત્રના પણ જડબેસલક હોવી જરૂરી છે.
ઇમર્જન્સી વોર્ડમાં સુરક્ષા વધતા તબીબો પર થતાં હુમલાના બનાવો ઘટયા : ડો.હેતલ માકડીયા (જુનિયર રેસિડેન્ટ)
‘વોઇસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જુનિયર તબીબ હેતલ માકડીયાએ જણાવ્યું હતું કે,તેઓ ઇમરજન્સી વોર્ડમાં ફરજ પર હોય છે.એક માસ પૂર્વે સિક્યુરિટી ઇમર્જન્સી વિભાગમાં પૂરતી ન હોવાથી તબીબો પર હુમલાના બનાવોમાં વધારો થઇ રહ્યો હતો.પરંતુ અહીં સિક્યુરિટી ગાર્ડ તરીકે એક્સ-આર્મીમેનને અને બે હથિયારધારી એસઆરપી જવાનોને મુકવામાં આવતા આ બનાવોમાં ઘટાડો થયો છે.જેથી હાલ હોસ્પિટલમાં તબીબોને સુરક્ષાને લઇ તંત્ર દ્વારા પૂરતા પગલાં લેવાતા તબીબો ખુશ છે.
પી.એમ રૂમ પાસે પણ સિક્યુરિટી ગાર્ડ મુકવામાં આવશે : તબીબી અધિક્ષક
‘વોઇસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં તબીબી અધિક્ષક ડો.મોનાલી માકડીયાએ જણાવ્યું હતું કે,પોસ્ટમોર્ટમ રૂમ પાસે અવારનવાર માથાકૂટ થયાના બનાવો બનતા હોય છે.જેના પગલે થોડા દિવસોમાં પણ ત્યાં સિક્યુરિટી ગાર્ડને ડ્યુટી સોંપવામાં આવવાની છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે,હાલ સીસીટીવી બાબતનું ટેન્ડર થોડા સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવવાનું છે.જેથી હોસ્પિટલમાં સીસીટીવી પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થઇ જશે.