૧૫૦ ફૂટ રિંગરોડ પર નવું ફાયર સ્ટેશન, ૬૦ કરોડના ખર્ચે ડામરકામની દરખાસ્ત
ઈસ્ટ-વેસ્ટ ઝોનનું કામ પવન ક્નસ્ટ્રક્શનને ૧૪% અને સેન્ટ્રલ ઝોનનું રાજચામુંડા ક્નસ્ટ્રક્શનને ૧૩.૫૦% ઓન'થી અપાશે
દર વર્ષે ૧૦ કરોડ ઝોનદીઠ ચૂકવાશે: ફાયર સ્ટેશનમાં ત્રણ બેડરૂમ-હોલ-કિચનના ક્વાર્ટર્સ પણ બનશે
દિવાળી પૂર્ણ થતાં જ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા દરખાસ્તોનો
ઘાણવો’ કાઢવામાં આવ્યો છે જેમાં અનેક મહત્ત્વની દરખાસ્તો સમાવિષ્ટ છે. આજે મળનારી કમિટીની બેઠકમાં ૧૫૦ ફૂટ રિંગરોડ પર નવું ફાયર સ્ટેશન ઉપરાંત ૬૦ કરોડના ખર્ચે બે વર્ષ સુધી ડામરકામની કામગીરી સોંપવાની દરખાસ્ત સામેલ છે જેના ઉપર કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવશે.
ફાયર સ્ટેશનની વાત કરવામાં આવે તો શહેરની વસ્તી અને વિસ્તાર બન્નેમાં વધારો થઈ રહ્યો હોવાથી વધુ એક ફાયર સ્ટેશનની જરૂરિયાત જણાઈ રહી હતી. આ માટે મહાપાલિકા દ્વારા ૧૫૦ ફૂટ રિંગરોડ પર પસંદગી ઉતારવામાં આવી છે. આ સ્ટેશન ૨૦.૪૫ કરોડના ખર્ચે બનાવવામાં આવશે. અહીં બેઝમેન્ટમાં પાર્કિંગ, ગ્રાઉન્ડ ફ્લોર તેમજ મેઝેનાઈઝ ફ્લોરમાં ફાયર સ્ટેશન, કંટ્રોલરૂમ, સ્ટોર રૂમ, ઓફિસ, ટોયલેટ બ્લોક, પ્રથમ માળે વહીવટી તંત્રની ઓફિસ તેમજ ૩ બેડ રૂમ, હોલ, કિચન સહિતની સુવિધા ધરાવતાં સ્ટાફ ક્વાટર્સ, બીજા માળથી લઈ છઠ્ઠા માળ સુધી બે બેડ રૂમ, હોલ, કિચનની સુવિધાના સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવામાં આવશે. આ માટે બી.જે.ઓડેદરા એજન્સીને ૩.૭૨% ડાઉન' ભાવથી કામ સોંપવાની દરખાસ્ત પર આજે નિર્ણય લેવાશે.
બીજી બાજુ અતિ ભારે વરસાદને કારણે રાજકોટના દરેક રસ્તાની હાલત ખરાબ થઈ જવા પામી હોય જૂની એજન્સી પાસે ફટાફટ કામ કરાવી લેવામાં આવ્યું હતું. જો કે હવે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરીને બે વર્ષ માટે ત્રણેય ઝોનદીઠ એજન્સીને કામ સોંપવામાં આવશે. આ માટે એક ઝોનદીઠ ૧૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ રીતે બે વર્ષ સુધી એક ઝોનમાં ૨૦ કરોડ ખર્ચાશે. ઈસ્ટ અને વેસ્ટ ઝોનનું કામ પવન ક્નસ્ટ્રક્શનને ૧૪%
ઓન’થી તો સેન્ટ્રલ ઝોનનું કામ રાજચામુંડા ક્નસ્ટ્રક્શનને ૧૩.૫૦% `ઓન’થી આપવા અંગેની દરખાસ્ત અંગે કમિટી નિર્ણય લેશે.