બેંગ્લોરની ફલાઈટના લેન્ડિંગ સાથે નવાં એટીસી ટાવરની ઉડાન
એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહના હસ્તે લોકાપર્ણ:નવી ટેકનોલોજીથી સજ્જ સૌરાષ્ટ્રનું પ્રથમ ટાવર: જાન્યુઆરીમાં નવા ટર્મિનલના ઉદ્ઘાટનની સંભાવના
બેંગ્લોરની ફલાઈટનું લેન્ડિંગ અને ટેકઓફ સાથે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા એટીસી ટાવરનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન થયું હતું. એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહએ ગુરુવારે રીબીન કટ કરી નવા એર ટ્રાફિક કંટ્રોલ ટાવરને ખુલ્લો મુક્યો હતો.
આ સમયે બેંગ્લોર રાજકોટની ફ્લાઈટનું આગમન થતાં એટીસી ટીમે નવા ટાવર પરથી આ ફ્લાઈટનું સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવ્યા બાદ આ જ ફ્લાઈટ રાજકોટ થી બેંગ્લોર તરફ ઉડાન ભરતા તેને ટેકઓફ કરાવી હતી.
નોંધનીય છે કે સૌરાષ્ટ્ર કચ્છમાં પ્રથમ રાજકોટના એરપોર્ટ પર નવી ટેકનોલોજીથી સજજ એટીસી ટાવર બન્યું છે. એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહની સૂઝબૂઝ અને અનુભવ નવા ટાવર માટે ખૂબ ઉપયોગી બન્યો હતો. એટીસી ટાવરના લોકાર્પણ બાદ હવે આગામી જાન્યુઆરી મહિનામાં નવા ટર્મિનલનું ઉદઘાટન કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. આજે લોકાર્પણ સમયે એ.ટી.સી. તેમજ એરપોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.