સમાધાનનો તખ્તો તૈયાર : નરેશ પટેલ અને જયેશ રાદડિયા સાથે બેસશે
ઇફ્કોની ચૂંટણીમાં થયેલ ખટરાગ દૂર કરવા ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીના પ્રયાસો ફળ્યા
સૌરાષ્ટ્રના લેઉવા પટેલ સમાજના બે મોટાગજાના આગેવાનો વચ્ચે ઇફ્કોના ડિરેક્ટરની ચૂંટણીને લઈ સર્જાયેલા મતભેદ અને ખટરાગને દૂર કરવામાં ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીના પ્રયાસો ફળ્યા છે ત્યારે સમાધાનનો તખ્તો ઘડાઈ જતા ટૂંક સમયમાં જ ખોડલધામના નરેશ પટેલ તથા ધારાસભ્ય જયેશ રાદડિયા સાથે બેસશે તેવા સંકેતો મળી રહ્યા છે.
ઇફ્કોના ડિરેક્ટરીની ચૂંટણીને લઈ નરેશ પટેલ અને જયેશ રાદડીયા વચ્ચે થયેલા ખટરાગ દુર કરવા માટે ઇફ્કોના ચેરમેન અને સહકારી અગ્રણી દિલીપ સંઘાણીએ પ્રયાસ શરુ કર્યા બાદ બન્ને લેઉવા પટેલ અગ્રણીઓ સાથે અલગ-અલગ વાતચીત કરી જ હતી અને બન્નેએ એક બીજા સામે કોઇ વાંધો ન હોવાનું જણાવી દિલીપ સંઘાણી કહે તે મુજબ સમાધાન કરવા બન્ને નેતાઓએ તૈયારી દર્શાવતા આવનાર દિવસોમાં બન્ને નેતાઓને એક સાથે બેસાડવાની સાથે જે કોઈપણ પક્ષને વાંધો હોય તો તે પ્રશ્ન ઉકેલવામાં આવશે તેવું દિલીપ સંઘાણીએ જાહેર કર્યું છે.
ઉલ્લખનીય છે કે, પાટીદાર સમાજના સન્માન સમારોહ બાદ દિલીપ સંઘાણીએ બન્ને આગેવાનો સાથે વાતચીત કરતા નરેશ પટેલ અને જયેશ રાદડિયાએ ગમે ત્યારે સાથે બેસવામાં વાંધો ન હોવાનું જણાવ્યું હતું ત્યારે હવે બન્નેની અનુકુળતા મુજબ તારીખ અને સમય નક્કી કરીને સંયુક્ત મીટીંગ રાખવામાં આવશે. મહત્વનું છે કે, નરેશ પટેલ તથા જયેશ રાદડીયા વચ્ચે સમાધાનનો તખ્તો સામાજીક ઉપરાંત રાજકીય દ્રષ્ટિએ પણ ઘણો મહત્વનો સાબિત થશે અને સમાજના આગેવાનો પણ બન્ને નેતાઓ ખટરાગ ભૂલી એક થાય તેવું ઈચ્છી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.