કાલાવડ રોડ પર નકલંક-જય સીયારામ-ખેતલા આપાની ચામાં ભેળસેળ ?
એસઓજીને સાથે રાખી તૈયાર ચા, દૂધ, ભૂકી, ખાંડના નમૂના લેતી ફૂડ શાખા: રિપોર્ટ આવશે તે પહેલાં હજારો લીટર ચા પેટમાં ચાલી ગઈ હશે !
કાલાવડ રોડ ઉપર અનેક ચાની હોટેલો આવેલી છે જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં ચાના શોખીનો ચુસ્કી લેતાં હોય છે. આ પૈકી નકલંક, જય સીયારામ અને ખેતલા આપા ટી-સ્ટોલ ઉપરથી સવારથી લઈ મોડીરાત સુધી લોકોનો જમાવડો જોવા મળતો હોય અહીં ચામાં કોઈ પ્રકારની ભેળસેળ કરવામાં આવે છે કે નહીં તેની ખરાઈ કરવા માટે મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા એસઓજીને સાથે રાખી ચેકિંગ કરવામાં આવ્યું હતું સાથે સાથે નમૂના પણ લેવામાં આવ્યા હતા.
ફૂડ શાખાએ સ્વામિનારાયણ મંદિર સામે આવેલા નકલંક ટી-સ્ટોલમાંથી તૈયાર ચા, ખાંડ, ચાની ભૂકી, મિક્સ દૂધ, કેકેવી હોલ પાસે સાંઈબાબા કોમ્પલેક્સમાં આવેલી જય સિયારામ હોટેલમાંથી તૈયાર ચા, ખાંડ, ચાની ભૂકી, કાલાવડ રોડ પર પરિમલ સ્કૂલ પાસે તુલસી કોમ્પલેક્સમાં આવેલા ખેતલા આપા ટી એન્ડ પાન સ્ટોલમાંથી તૈયાર ચા, ખાંડ, ચાની ભૂકીના નમૂના લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
બીજી બાજુ એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઉપરોક્ત ધંધાર્થીઓ દ્વારા ચામાં કોઈ બીજું દ્રવ્ય ભેળવવામાં આવી રહ્યું હોય તેવું લાગે છે એટલા માટે જ આ નમૂના લેવામાં આવ્યા છે. જો કે નમૂનાનો રિપોર્ટ આવશે તે પહેલાં હજારો લીટર ચા પેટમાં ચાલી ગઈ હશે તે પણ વાસ્તવિક્તા છે.
