વિદ્યાર્થિનીઓને સર્વાઈકલ કેન્સરની વેક્સિન વિનામૂલ્યે આપશે મનપા
આરોગ્ય સમિતિ ચેરમેન કેતન પટેલની પહેલ રંગ લાવી…
કોઠારિયા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં બ્રેસ્ટ કેન્સર સહિતના નિદાન માટે મેમોગ્રાફી મશીન મુકાશે
મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ બજેટમાં અનેક યોજનાઓ સામેલ કરી છે જેમાં ખાસ કરીને આરોગ્ય સમિતિ ચેરમેન કેતન પટેલ દ્વારા સુચવવામાં આવેલી અત્યંત મહત્ત્વની બે યોજનાનો સમાવેશ પણ કરાયો છે. હવે મહાપાલિકા સંચાલિત શાળાઓની વિદ્યાર્થિનીઓને સર્વાઈકલ કેન્સર સામે રક્ષણ મળી રહે તે માટે શાળા આરોગ્ય ચકાસણી કેમ્પસની સાથે સાથે વિદ્યાર્થિનીઓને સર્વાઈકલ કેન્સર માટે વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવશે. આ માટે ૧૫ લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ વેક્સિન જો બહાર લેવા જવામાં આવે તો તેના માટે પ્રતિ વેક્સિન ડોઝ દીઠ રૂા.૨૦૦૦નો ખર્ચ થાય છે.

આ ઉપરાંત મહાપાલિકા સંચાલિત કોઠારિયા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે મેમોગ્રાફી ચેકઅપ માટે નવું મેમોગ્રાફી મશીન મુકવામાં આવશે જેનાથી મહિલાઓ બ્રેસ્ટ કેન્સર જેવા રોગનું નિદાન-સારવાર કરાવી શકશે. આ માટે પણ તંત્ર દ્વારા ૧૫ લાખની જોગવાઈ કરવામાં આવી છે.