મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈએ પોતાની બદલી માંગી
રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ અને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારાસને રાજ્ય સરકાર પાસે પોતાની બદલી માગી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ બંનેની વિનંતી ઉપર સરકાર વહેલી તકે નિર્ણય લેશે. આ બંનેના સ્થાને કોને પોસ્ટીંગ આપવુ તે અંગે વિચારણા થઇ રહી છે. બીજી બાજુ સરકાર જાન્યુઆરી આવતા સુધીમાં સનદી અધિકારીઓની બદલી અને બઢતીનો લીથો બહાર પાડે તેવી સંભાવના છે.
ડી.પી. દેસાઈ અને એમ.થેન્નારાસન સ્વચ્છ પ્રતિભા ધરાવતા અધિકારી છે અને પોતાની કામગીરી સારી રીતે કરી રહ્યા છે. રાજકોટમાં અગ્નિકાંડ થયો પછી તુરંત ડી.પી. દેસાઈને રાજકોટ મુકવામાં આવ્યા હતા અને તેમણે યોગ્ય પગલાં ભરીને તંત્રને દોડતુ કર્યુ છે. બીજી બાજુ એમ.થેન્નારાસન પણ પોતાના કામ માટે જાણીતા છે અને અમદાવાદના ઝડપી વિકાસમાં તેમનો મોટો ફાળો છે. અમદાવાદના પાણી અને ગટરના પ્રશ્નો અંગે તેઓ સમયાન્તરે ઝોન ઓફિસરો સાથે ચર્ચા કરતા રહે છે.
સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર, સરકાર જાન્યુઆરી સુધીમાં સનદી અધિકારીઓની બદલી અને બઢતીના હુકમ કરી દેશે. જાન્યુઆરીમાં અમદાવાદના કલેકટર પ્રવિણા ડી.કે. અને વડોદરા કલેકટર બીજલ શાહ ડ્યુ છે. આ ઉપરાંત સાબરકાંઠાના કલેકટર ડો. રતનકવ ચરણ, મહેસાણા કલેકટર એમ. નાગરાજન અને ડાંગના કલેકટર મહેશ પટેલને પણ બઢતી મળવાની છે અને તેમની પણ બદલી થશે.
આ સિવાય અન્ય આઈ.એ.એસ. અધિકારીઓ અને આઈ.પી.એસ. અધિકારીઓની બદલી થવાની છે અને આ માટે તૈયારી ચાલી રહી છે. આઈ.પી.એસ. અધિકારીઓની યાદીમાં રાજકોટના પણ કેટલાક અધિકારીઓના નામ હોવાનું જાણવા મળ્યુ છે.