તો પછી બસ શું કામની ? 2500 મુસાફરોએ ટેક્સીના 350થી 2000 ચૂકવ્યા !
એરપોર્ટ સુધી પહોંચવા 31 કિ.મી.નું અંતર મોટાભાગના લોકોએ ટેક્સીમાં જ કાપ્યું
ઈન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થયાના પ્રથમ દિવસે 2900થી વધુ મુસાફરોએ કરેલી અવર-જવરઃ મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, સુરત, ઈન્દોર-ઉદયપુર મળી એક દિ’માં 12 ફ્લાઈટનું સંચાલન
આજથી રાજકોટની ભાગોળે આવેલા હિરાસર પાસે ઈન્ટરનેશનલ એરપોર્ટનો પ્રારંભ થઈ ગયો છે. પ્રથમ દિવસે ફ્લાઈટસની અવર-જવર રાબેતા મુજબ રહી હતી પરંતુ ધારણા પ્રમાણે જ મુસાફરોના ખીસ્સા હળવા થયા હતા. તંત્ર દ્વારા એરપોર્ટ શરૂ થયાના ચાર દિવસ પહેલાં બસ શરૂ કરવાની જાહેરાત કરી હતી પરંતુ તે માત્ર નામની જ રહી હોય તેવી રીતે પહેલાં દિવસે અધધ 2500 જેટલા મુસાફરોએ ટેક્સીના ભાડા પેટે 350થી 2000 ચૂકવવા પડતાં દેકારો બોલી ગયો હતો. બીજી બાજુ રાજકોટથી એરપોર્ટનું અંતર 31 કિલોમીટર સુધીનું હોવાથી કાં તો પોતાના વાહન અથવા તો મોટાભાગના લોકોએ ટેક્સીમાં જ જવાનું પસંદ કર્યું હતું.
એરપોર્ટના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પહેલી ફ્લાઈટ સવારે 7:55 વાગ્યે ઈન્દોરથી આવી પહોંચી હતી. આ પછી અલગ-અલગ સમયની મળી સાંજે 7:20 વાગ્યા સુધી કુલ 12 જેટલી ફ્લાઈટનું સંચાલન થયું હતું જેમાં 2900 જેટલા મુસાફરોની અવર-જવર નોંધાઈ છે. સૌથી વધુ મુસાફરોની અવર-જવર બપોરે 12:15 વાગ્યે મુંબઈ-રાજકોટ-મુંબઈની ફ્લાઈટમાં નોંધાઈ હતી જેમાં 177 મુસાફરો રાજકોટ ઉતર્યા હતા તો એ જ ફ્લાઈટમાં 124 મુસાફરો મુંબઈ રવાના થયા હતા. જ્યારે સૌથી પહેલી ઈન્દોરથી ફ્લાઈટમાં 117 મુસાફરો આવ્યા હતા અને 73 મુસાફરોએ રાજકોટથી રવાનગી કરી હતી.
પ્રથમ દિવસે ઈન્દોર-ઉદયપુરની ફ્લાઈટ ઉપરાંત મુંબઈ, પૂના, બેંગ્લોર, સુરત અને દિલ્હી સહિતના શહેરોની ફ્લાઈટની અવર-જવર નોંધાઈ હતી જેમાં કોઈ પ્રકારની અડચણ ઉભી થઈ ન હોવાનું અને ફ્લાઈટનું લેન્ડીંગ-ટેકઑફ વ્યવસ્થિત રીતે થયાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે એસ.ટી. દ્વારા 100 રૂપિયાના ભાડાથી એરપોર્ટ સુધીની બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે પરંતુ પ્રથમ દિવસે તેને જરા પણ પ્રતિસાદ મળ્યો નથી અને લોકોએ 100 રૂપિયાની જગ્યાએ 350થી 2000 રૂપિયા ચૂકવી ઝડપથી એરપોર્ટ પહોંચવા પર પસંદગી ઉતારી હતી.
બસથી એરપોર્ટ જવું હોય તો ફ્લાઈટ ચૂકી જવાની ગેરંટી ?!
એસ.ટી. દ્વારા એરપોર્ટ માટેની બસ સેવા શરૂ કરવામાં આવી છે જે નિર્ણય આવકારદાયક ગણાશે પરંતુ તેના માટે જે રીતે સમયની પસંદગી કરાઈ છે તેનાથી લોકોને અકળામણ થઈ રહી છે. બસ પોર્ટથી સવારે 6 વાગ્યે એરપોર્ટ માટે બસ ઉપડશે. જેની સામે પહેલી ફ્લાઈટ 7:55ની હોય છે. નિયમ પ્રમાણે એરપોર્ટ પર બે કલાક વહેલું પહોંચવાનું હોવાથી આ રીતે જોવા જઈએ તો બસપોર્ટથી મુસાફરને એરપોર્ટ સુધી પહોંચવા માટે બે કલાકનો સમય લાગશે ત્યારે જો તે સવારે 6 વાગ્યાની બસ પકડે તો તેને પહોંચતાં સાત વાગી જાય જેના કારણે તે ફ્લાઈટ ચૂકી જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. આ પછી એરપોર્ટ ઉપર 8:10, 8:15 વાગ્યાની ફ્લાઈટ આવે છે જેની સામે એસ.ટી.દ્વારા 8 વાગ્યે બસ શરૂ કરવામાં આવી છે જે પણ નક્કામી જ સાબિત થઈ શકે તેમ છે કેમ કે આ ફ્લાઈટ પકડવા માટે મુસાફરે છ વાગ્યાની જ બસ પકડવી પડે ! આમ અન્ય ફ્લાઈટસની સામે પણ બસનો સમય મેળ ખાતો ન હોય તેમાં સુધારો કરવાની તાતી જરૂરિયાત લોકો અનુભવાઈ રહી છે.
શેયરિંગ કરતાં સ્પેશ્યલ ટેક્સી પર વધુ પસંદગી
પ્રથમ દિવસે રાજકોટથી એરપોર્ટ સુધી પહોંચવા માટે મોટાભાગના મુસાફરોએ ટેક્સી શેયરિંગ કરવાની જગ્યાએ સ્પેશ્યલ ટેક્સી બૂક કરવા પર વધુ ભાર આપ્યો હતો. જાણવા મળ્યા પ્રમાણે હજુ ત્રણેક દિવસ સુધી આ પ્રકારે સ્થિતિ રહી શકે છે અને ત્યારબાદ સમય ગોઠવાય તેવી શક્યતા છે.