તહેવારો ટાંકણે જ રાજકોટને મચ્છરના ડંખ: ડેંગ્યુના ૧૯ કેસ
ટાઈફોઈડ-મેલેરિયાનો પણ ઉપાડો': શરદી-ઉધરસ-તાવના કેસ પાછલા સપ્તાહની તુલનાએ ઘટ્યા
જન્માષ્ટમીના તહેવારો આડે હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે તે પહેલાં જ મચ્છરોએ
એટેક’ કરવાનું શરૂ કરી દેતાં લોકોમાં ગજબનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. બીજી બાજુ મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જાહેર કરવામાં આવ્યા પ્રમાણે એક જ સપ્તાહમાં ડેંગ્યુના ૧૯ કેસ મળી આવ્યા છે. એકંદરે ડેેંગ્યુને લઈને અત્યારે સ્થિતિ ભયજનક હોવાનું આ આંકડા પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે.
આરોગ્ય શાખા દ્વારા જાહેર કરાયેલી વિગત પ્રમાણે તા.૧૨-૮-૨૦૨૪થી તા.૧૮-૮-૨૦૨૪ સુધીના સાત દિવસ દરમિયાન ડેંગ્યુના ૧૯ (વર્ષના ૭૧), મેલેરિયાનો ૧ (વર્ષના ૧૬) તેમજ ટાઈફોઈડ તાવના પાંચ (વર્ષના ૪૯) કેસ મળ્યા છે.
બીજી બાજુ પાછલા સપ્તાહની તુલનાએ આ સપ્તાહે શરદી-ઉધરસના કેસમાં ઘટાડો આવ્યો છે. આ સપ્તાહે શરદી-ઉધરસના ૯૪૦, સામાન્ય તાવના ૫૮૮ અને ઝાડા-ઊલટીના ૨૪૫ કેસ નોંધાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
વાસ્તવિક્તા એ પણ છે કે આરોગ્ય શાખા દ્વારા મહાપાલિકાના ૨૩ આરોગ્ય કેન્દ્ર ઉપરાંત ગણીગાંઠી હોસ્પિટલમાંથી જ રોગચાળાના આંકડા એકઠા કરીને જાહેર કરી દેવામાં આવે છે ત્યારે જો દરેક દવાખાના અને ખાનગી હોસ્પિટલ પાસેથી રોગચાળાના આંકડા મેળવી જાહેર કરવામાં આવે તો મુળ કરતાં દસ ગણા વધુ નીકળશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.