રાજકોટમાં કચરાગાડીના ડ્રાઈવરોના શોષણ મુદ્દે ધારાસભ્ય મેવાણી મેદાને
આજીડેમના પટ્ટામાં રવિવારીમાં બેસતા ધંધાર્થીઓ સામે લેન્ડગ્રબીંગની ફરિયાદ અને સિંચાઈ વિભાગની કનડગત મામલે પણ રજુઆત
રાજકોટ શહેરને સ્વચ્છ રાખવા માટે દિવસ-રાત દોડતા રહેતા કચરા ગાડી એટલે કે મહાનગરપાલિકા ટીપરવાનના ડ્રાઈવર અને તેના સ્ટાફને લઘુતમ વેતન ચુકવવામાં આવતું ન હોવાની સાથે સફાઈ કામદારોને પણ લઘુતમ વેતન નહીં ચૂકવી શ્રમ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાના ચોંકાવનારા આરોપ સાથે ગુરુવારે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કલેકટર કચેરીમાં મોરચો ખોલી આક્રમક રજુઆત કરવાની સાથે આજીડેમ નજીક ભરાતી ગુજરી બજારના નાના ધંધાર્થીઓને સિંચાઈ વિભાગની હેરાનગતિ તેમજ લેન્ડગ્રેબિંગ મામલે ફરિયાદ અંગે અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આવેદનપત્ર પાઠવતા જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં સફાઈ કામદારો, ટીપરવાન ચાલકો રાજકોટને સુઘડ અને ઉજળુ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે પરંતુ તેઓની મહેનતને બીરદાવવાને બદલે તેઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ સફાઈ કામદારો, ટીપરવાન ચાલકોને નિયમ અનુસાર લઘુતમ વેતન ચુકવાય પગાર સ્લીપ મળે અને તેમનું પીએફ જમા થાય તે માટે શ્રમ વિભાગ અને મ્યુનિસિપલ તંત્રને નિર્દેશો આપવા અધિક કલેકટર સમક્ષ આવેદનપત્ર પાઠવીલેખિત માંગણી ઉઠાવી હતી.
વધુમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ શહેરના સેંકડો પાથરણા વાળા, રેંકડીવાળા કે જેઓ આજીડેમના પટમાં ભરાતી રવિવારી બજારમાં વેપાર કરી તેઓનું પેટીયું રળી રહ્યા છે. તેઓને સિંચાઈ વિભાગ દ્વારા ત્યાંથી ખસેડવાની સાથે છ જેટલા ગરીબ પાથરણા વાળાને લેન્ડગ્રેબીંગની નોટીસ ફટકારવામાં આવી હોય ગરીબ ધંધાર્થીઓને શા માટે નોટીસ ફટકારવામાં આવી તેવા સવાલ ઉઠાવી નાના ધંધાર્થીઓને હેરાન નહીં કરવા માંગ કરી હતી. આ રજૂઆતમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, અશોકસિંહ વાઘેલા, જશવંતસિંહ ભટ્ટી કોંગ્રેસના પ્રવકતા રોહિતસિંહ રાજપૂત, એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, સુરેશ બથવાર, મયુરસિંહ પરમાર, હબીબભાઈ કટારીયા, ઈબ્રાહીમભાઈ સોરા સહિતના આગેવાનો જોડાયા હતા.
રાજકોટના મઘરવાડામાં સાંથણીની જમીન મામલે ધરણા કરવા ચીમકી
રાજકોટ તાલુકાના મઘરવાડા ગામે સરકારી સર્વે નંબર 363 પૈકી-2ની જમીન અનુસૂચિત જાતિ સમાજના સોમીબેન લવજીભાઈ રાઠોડને સરકારે ફાળવી હોવા છતાં સાંથણીની આ જમીન ઉપર માથાભારે શખ્સોએ કબ્જો જમાવી લઈ આ જમીન ઉપર પ્રવેશવા દેતા ન હોય આ બાબતે અનેક વખત ફરિયાદ કરવાની સાથે લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં પણ ફરિયાદ કરવામાં આવી હોવા છતાં પગલાં ભરવાં ન આવતા આ બાબતે પણ ધારાસભ્ય જીગ્નેશ મેવાનીએ રજુઆત કરી જો પગલા નહીં લેવાય તો કલેકટર કચેરી સામે અચોકકસ મુદતનું ધરણા આંદોલન કરવામાં આવશે તેવી ચેતવણી આપી હતી.