જિલ્લામાં બે મહિનામાં 1.19 કરોડની ખનીજચોરી ઝડપાઇ
ખાણખનીજ વિભાગે જાન્યુઆરીમાં 31 અને ફેબ્રુઆરીમાં 44 કેસ કર્યા
રાજકોટ : રાજકોટ જિલ્લામાં ખાણખનીજ વિભાગમાં સ્ટાફની અછત હોવા છતાં છેલ્લા બે મહિનામાં ખાણખનીજ વિભાગની ટીમોએ સતત દોડતા રહી ખનીજચોરીના 75 કિસ્સા ઝડપી લઈ 1.19 કરોડની ખનીજચોરી ઝડપી લીધી હતી. સાથે જ ખનીજ વિભાગે 5 જેસીબી, 9 ટ્રેકટર,લોડર અને અનેક ડમ્પરો સીઝ કરી પોલીસને સોંપી આપ્યા હતા.
રાજકોટ ખાણખનીજ વિભાગના ઇન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્રી અંકિત ભટ્ટના માર્ગદર્શન હેઠળ ખાણખનીજ વિભાગના હિતેશ સોલંકી સહિતની ટીમોએ શહેરના કુવાડવા રોડ, મોરબી રોડ, પડધરી સહિતના વિસ્તારમાં ચેકીંગ ઝુંબેશ ચલાવી સુરેન્દ્રનગર તેમજ મોરબી જિલ્લાથી રોયલ્ટી ચોરી કરવામાં લાવતી રેતી તેમજ અન્ય ખનીજની ચોરી અટકાવવા અસરકારક કામગીરી કરી જાન્યુઆરી મહિનામાં 31 કેસ કરી 50લાખથી વધુની ખનીજ ચોરી ઝડપી લીધી હતી. એ જ રીતે ખાણખનીજ વિભાગે ફેબ્રુઆરી મહિનામાં ખનીજચોરીના 44 કિસ્સામાં 69 લાખની ખનીજ ચોરી ઝડપી લઇ બે મહિનામાં કુલ 1.19 કરોડની ખનીજ ચોરી મામલે 5 જેસીબી, 9 ટ્રેકટર,લોડર અને અનેક ડમ્પરો સીઝ કરી પોલીસને સોંપી આપ્યા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે.