રાજકોટ તાલુકામાં સરકારી જમીન કોતરી ખાતા ખનીજ માફિયાઓ
ઇન્ચાર્જના ભરોસે ચાલતી ખાણખનીજ કચેરીમાં લાલિયાવાળી
અખિલ ભારતીય પંચાયત પરિષદના હોદેદારોએ ખનીજ ચોરી મામલે તંત્રને ઢંઢોળ્યું
રાજકોટ : રાજકોટ જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી ખાણખનીજ અધિકારીની જગ્યા ખાલી પડી હોવાની સાથે રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા પણ ખનીજ ચોરી અટકાવવા મામલે પગલાં લેવામાં ન આવતા ખનીજ માફિયાઓને મોકળાશ મળી જતા હાલમાં શહેર અને જિલ્લામાં ખનીજ માફિયાઓ સરકારી જમીનને ઉંદરની માફક કોતરી રહ્યા છે ત્યારે અખિલ ભારતીય પંચાયત પરિષદ દ્વારા શુક્લ પીપળીયા ગામે થતી ખનીજ ચોરી અંગે જિલ્લા વહીવટીતંત્રને ઢંઢોળવામાં આવ્યું છે.
અખિલ ભારતીય પંચાયત પરિષદના હોદેદાર મનિષાબા વાળા, ચંદાબા વાળા, દિવ્યાબા વાળા સહિતના આગેવાનોએ રાજકોટ તાલુકાની હદમાં આવતા કુવાડવા નજીકના શુક્લ પીપળીયા ગામે સરકારી ખરાબાની જગ્યામાં સરપંચની મીઠી નજરે હેઠળ સરકારી ખરાબાની જગ્યામાંથી ખનીજ ચોરી કરવામાં આવતી હોવાનો પર્દાફાશ કરી જવાબદાર અધિકારીઓની પોળ છતી કરી હતી. જો કે, હાલમાં રાજકોટ જિલ્લા ખાણખનીજ વિભાગમાં ભૂસ્તરશાસ્ત્રીની જગ્યા ખાલી હોય કચેરી રામ ભરોસે ચાલતી હોવાથી ખનીજ ચોરોને બખ્ખા થઇ પડયા હોવાનું પણ સામે આવ્યું છે.
બીજી તરફ ખાણ ખનીજ વિભાગની મંજૂરી વગર જ રાજકોટ તાલુકાના શુક્લ પીપળીયા ગામે બેફામ પણે ખનીજ ચોરી ચાલી રહી હોવા છતાં તાલુકા મામલતદાર કચેરી દ્વારા પણ ક્યારેય પગલાં લેવામાં આવતા ન હોવાથી અખિલ ભારતીય પંચાયત પરિષદ દ્વારા સરકારી તંત્રની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવતા ચકચાર જાગી છે, નોંધનીય છે કે, રાજકોટમાં રિયલ એસ્ટેટક્ષેત્રે મ,મોટા મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે જેમાં મોટાભાગની રેતી કપચી સહિતનું મટીરીયલ ગેરકાયદેસર ઠલવાઇ રહ્યું હોવા છતાં ખાણખનીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોય તંત્રની નીતિ ઉપર સવાલો ઉઠી રહ્યા છે.