રાજ્યમાં મેઘરાજા ઢીલા પડયા : રાજકોટમાં ઝાપટા વરસ્યા
બુધવારે સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ પાટણના સાંતલપુરમાં અઢી ઈંચ
રાજકોટ : રાજ્યમાં ચાર-ચાર સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી વચ્ચે બુધવારે મેઘરાજા ઢીલા પડયા હોય તેવી સ્થિતિમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના 106 તાલુકાઓમાં એકથી અઢી ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. જો કે, બુધવારે રાજકોટમાં મેઘરાજા ઝાપટા રૂપે વરસ્યા હતા અને પાટણના સાંતલપુરમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો.
બુધવારે સવારે 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 106 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર આંકડા મુજબ બુધવારે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં મેઘરાજાએ એક મીમીથી લઈ અઢી ઈંચ સુધી વરસાદ વરસાવ્યો હતો જેમાં સૌથી વધુ પાટણના સાંતલપુરમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત પાટણના રાધનપુરમાં સવા બે ઈંચ, બનાસકાંઠાના લાખાણીમાં દોઢ ઈંચ, સાબરકાંઠાના પોશીનામાં સવા ઈંચ, સુરતના મહુવા, બનાસકાંઠાના અમીરગઢ અને સુઈગામમાં તેમજ કચ્છના નખત્રાણામાં એક ઈંચ અને રાજકોટના લોધીકામાં અડધો ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો સાથે જ રાજકોટમાં પણ વહેલી સવારે અને બપોરના સમયે ધોધમાર ઝાપટા વરસતા રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા.