રાજકોટમાં ચોમાસાનું શુકનવંતુ મુહૂર્ત કરતા મેઘરાજા
બપોરે ચાર વાગ્યે ઝરમર – ઝરમર વરસ્યા બાદ સમગ્ર શહેરમાં રસ્તા ઉપર પાણી વહેતા કર્યા
રાજકોટ : સામાન્ય રીતે રાજ્યમાં 15 જૂન બાદ ચોમાસાનો વિધિવત પ્રારંભ થતો હોય છે ત્યારે ઓણસાલ ચોમાસાનું ચાર દિવસ વહેલું આગમન થવાની સાથે જૂનાગઢ, અમરેલી, જેતપુર, રાજુલા, ભાવનગર સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ હેત વરસાવ્યા બાદ શુક્રવારે મેઘરાજાએ રાજકોટમાં શુકનવંતુ મુહૂર્ત કરી રસ્તા ઉપર પાણી વહેતા કરી દીધા હતા.
હવામાન વિભાગે રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો હોવાનું જાહેર કરતાની સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, જેતપુર, રાજુલા, ભાવનગર સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ હેત વરસાવ્યા બાદ શુક્રવારે બપોરે ચારેક વાગ્યાના અરસામાં રાજકોટ શહેરમાં કાલાવડ રોડ ઉપર ઝરમર – ઝરમર અમીછાંટણા કર્યા હતા. જો કે, થોડીવારના વિશ્રામ બાદ સમગ્ર શહેરમાં પવન સાથે મેઘરાજાએ ચોમાસાની છડી પોકારી શુક્રવારનું શુકનવંતુ મુહૂર્ત કરી રૈયારોડ, યાજ્ઞિક રોડ, રેષકોર્ષ, જંકશન પ્લોટ, મવડી સહિતના વિસ્તારમાં વરસાદ વરસાવતા રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા. જો કે, રાજકોટમાં નોંધપાત્ર કહી શકાય તેવો વરસાદ વરસ્યો ન હતો પરંતુ થોડા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.