મેઘરાજાનો ઉત્તર ગુજરાતમાં મુકામ, સૌરાષ્ટ્રમાં ઝાપટા
ભાવનગરના જેસરમાં એક ઈંચ, ગાંધીનગરના માણસામાં 3 ઈંચ
રાજકોટ : ગુજરાતમાં ધીંગી મેઘમહેર બાદ શુક્રવારે મેઘરાજાએ ઉત્તર ગુજરાત ઉપર વધુ હેત વરસાવ્યું હતું સાથે જ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લામાં ઝાપટા રૂપે વરસાદ વરસાવ્યો હતો. શુક્રવારે રાજ્યમાં સૌથી વધુ વરસાદ ગાંધીનગર જિલ્લાના માણસામાં 3 ઈંચ વરસ્યો હતો જયારે ભાવનગરના જેસરમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે શુક્રવારે પણ મેઘમહેર ચાલુ રહેવા પામી હતી જેમાં ગાંધીનગર, ખેડા, નર્મદા,તાપી, મહીસાગર અને સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને મોરબી સહિતના જિલ્લાઓમાં 1 મીમીથી લઈ 76 મીમી સુધી વરસાદ વરસ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર આંકડા મુજબ શુક્રવારે સવારે 6થી સાંજના 6 સુધીમાં રાજ્યના 96 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં ગાંધીનગરના માણસામાં 76 મીમી, દહેગામમાં 72 મીમી, ખેડાના કપડવંજમાં 53 મીમી, વલસાડના કપરાડામાં 40 મીમી,નર્મદાના ગરુડેશ્વરમાં 39 મીમી,ભાવનગરના જેસરમાં 29 મીમી,સુરેન્દ્રનગરના લીમડીમાં 17 મીમી,મહુવામાં અને જોડીયામાં 11 મીમી,મોરબીમાં 10 મીમી, અમરેલીના જાફરાબાદમાં 9 મીમી અને રાજકોટના જેતપુરમાં 3 મીમી વરસાદ નોંધાયો હતો.