રાજકોટના મેડિકલ સ્ટોર સંચાલકોને દુ:ખે છે પેટ’ને કુટશે માથું !!
ગામ કરતાં અનેકગણી સસ્તી દવા આપતો મેડિકલ સ્ટોર શરૂ થવાની તૈયારીથી નફાખોર કેમીસ્ટોએ ધાંધણિયા ધૂણાવ્યાનહીં નફો, નહીં નુકસાન'ની નીતિથી સેવાભાવીઓ દ્વારા શરૂ થઈ રહેલો આ મેડિકલ સ્ટોર પોતાના દવાના
ધંધા’ને ઘણું ડેમેજ કરશે તેમ માનીને કેમીસ્ટ એસો.એ તાત્કાલિક બેઠક બોલાવવી પડી
બેઠકમાં ૨૫૦ જેટલી દવા સપ્લાય કરતી એજન્સીઓ આ સ્ટોરને દવા નહીં આપે તેવો લેવાયેલો જડ નિર્ણય !
આ સ્ટોર શરૂ થશે તો ૧૪૦૦થી વધુ મેડિકલ સ્ટોરને નવરાધૂપ બેસવું પડે તેવી સ્થિતિ ઉભી થવાની પણ બેઠકમાં વ્યક્ત કરાયેલી ચિંતા
રાજકોટનું એક પણ એવું ઘર નહીં હોય જ્યાં નાની-મોટી દવાની ખરીદી દરરોજ કરવામાં આવતી ન હોય. એકંદરે લોકોને જેટલી ચિંતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારા-ઘટાડાની હોય છે એટલી જ ચિંતા સસ્તા ભાવે દવા ક્યાં મળશે તેની પણ રહેતી હોય છે ! દવા ખરીદવાનો સમય આવે એટલે લોકો ડિસ્કાઉન્ટ ક્યાં મળશે તેની શોધખોળ કરતા હોય છે. આમ તો સરકાર દ્વારા ડિસ્કાઉન્ટના નામે દવાનું વેચાણ કરવું ગેરકાયદેસર છે તેવો નિયમ અમલમાં મુકાયો છે આમ છતાં ઘણાખરા મેડિકલ સ્ટોર તેનું પાલન કરવામાં માનતા નથી. આ બધાની વચ્ચે રાજકોટમાં અન્ય મેડિકલ સ્ટોર કરતાં અનેકગણી સસ્તી દવા આપતો મેડિકલ સ્ટોર ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યો છે. જો કે આ મેડિકલ સ્ટોર શરૂ થાય તે પહેલાં જ કેમિસ્ટ એસોસિએશનમાં દોડધામ મચેલી જોવા મળી છે અને તાત્કાલિક એક બેઠક બોલાવી તેમાં અનેક પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
શહેરના નાનામવા રોડ પર સદ્ભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર' શરૂ થવા જઈ રહ્યો છે જે શહેરના સેવાભાવીઓ દ્વારા
નહીં નફો, નહીં નુકસાન’ની નીતિ સાથે ચાલશે. મતલબ કે અહીં પડતર ભાવે જ દવાનું વેચાણ કરવામાં આવશે.
જો કે તે પહેલાં શુક્રવારે સાંજે ૭:૩૦ વાગ્યે કેમિસ્ટ એસોસિએશન-રાજકોટ દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી. ખાસ વાત એ છે કે આ બેઠકમાં એસો.માં સામેલ કોઈ સભ્ય બહારગામ જવાના હોય તો તે પ્રોગ્રામ રદ્દ કરવા અને જો બહારગામ ગયા હોય તો કોઈ પણ ભોગે બેઠકમાં હાજર રહેવા કહેવાયું હતું. આ બેઠક કેમિસ્ટ એસો.ના પ્રમુખ મયુરસિંહ જાડેજાના કોઠારિયા રોડ, નિલકંઠ સીનેમા પાસે આવેલા જય આશાપુરા મેડિકલ સ્ટોર ખાતે મળી હતી જેમાં તમામ હોદ્દેદારો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં એવો મુદ્દો ચર્ચાયો હતો કે આ મેડિકલ સ્ટોર શરૂ થશે તો શહેરના ૧૪૦૦ મેડિકલ સ્ટોરને તેની અસર પડશે કેમ કે મહત્તમ લોકો સસ્તા ભાવે અહીંથી જ દવા ખરીદવાનો આગ્રહ રાખશે. એવી ચર્ચા પણ થઈ હતી કે પ્રત્યેક મેડિકલ સ્ટોરમાં હાલ બેથી વધુ કર્મીઓ નોકરી કરી રહ્યા છે ત્યારે જો ઘરાકી ઘટશે તો તેમને છૂટા કરવા પડશે ! આ ઉપરાંત સસ્તા ભાવના મેડિકલ સ્ટોરમાં ડુપ્લીકેટ દવાનું વેચાણ થવાની શક્યતા પણ રહેલી છે. જો કે આ બધી ચિંતા કરવા કરતા તમામ સંચાલકોને પોતાનો નફો ગુમાવવો પડશે તેની ઉપાધી વધુ હતી ! આ બેઠક બાદ એવો નિર્ણય લેવાયો હતો કે શહેરમાં ૨૫૦ જેટલી દવા સપ્લાય કરતી એજન્સી છે જે આ સસ્તા ભાવે દવાનું વેચાણ કરનારા મેડિકલ સ્ટોરને દવાની સપ્લાય નહીં કરે !
આ સ્થિતિ સર્જાવાની શક્યતાને પહેલાંથી જ પારખી ગયેલા સસ્તા ભાવના મેડિકલ સ્ટોર દ્વારા અન્ય શહેર તેમજ રાજ્યમાંથી દવાનો જથ્થો મંગાવવાની તૈયારી કરી લેવામાં આવી હોવાથી આગામી સમયમાં આ બાબતે શું થાય છે તે જોવું રસપ્રદ બની રહેશે.
રાજકોટમાં દવા વેચાણનું વર્ષે ૧૦,૦૦૦ કરોડનું ટર્નઓવર
એક અંદાજ પ્રમાણે રાજકોટમાં દર વર્ષે દવા વેચાણનું ટર્નઓવર ૧૦,૦૦૦ જેટલું થવા જાય છે. જો કે તેમાં મેડિકલ સ્ટોર સંચાલકોનો નફો પણ નોંધપાત્ર હોય જો પડતર કિંમતે જ દવાનું વેચાણ શરૂ થઈ જાય તો સ્વાભાવિક પણે લોકો ત્યાંથી જ દવા ખરીદીનો આગ્રહ રાખે તેમ હોવાથી આ સ્ટોર શરૂ જ ન થાય તે માટે અત્યારથી પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
મોરબી, મુંબઈ, અમદાવાદ, સુરતમાં આ પ્રકારનો મેડિકલ સ્ટોર કાર્યરત
એવું પણ જાણવા મળ્યું છે કે રાજકોટમાં પડતર કિંમતથી જ દવા વેચવાનો મેડિકલ સ્ટોર પ્રથમ વખત શરૂ થઈ રહ્યો છે. જો કે મોરબી, મુંબઈ, અમદાવાદ, સુરતમાં પહેલાંથી જ આ સ્ટોર કાર્યરત છે અને લોકો ત્યાંથી સસ્તા ભાવે દવાની ખરીદી કરી રહ્યા છે.
ફ્રેક્ચરનો બ્લુ પાટો અહીં ૫૦૦માં મળશે, અન્ય સ્ટોરમાં કિંમત ૪થી ૫ હજાર !
સદ્ભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરમાં દરેક દવા પડતર કિંમતે વેચવામાં આવશે ત્યારે એવી વિગત પણ સામે આવી છે કે ફ્રેક્ચર બાદ પહેરવામાં આવતો બ્લુ પાટો કે જે અન્ય મેડિકલ સ્ટોરમાં ચારથી પાંચ હજાર રૂપિયામાં મળે છે તે અહીં માત્ર ૪૦૦થી ૫૦૦ રૂપિયામાં જ વેચવામાં આવશે.
લાઈટ બિલ, પગાર સહિતનો ખર્ચ સેવાભાવીઓ જ ઉઠાવશે
રાજકોટમાં અત્યારે જેનરિક મેડિકલ સ્ટોર કાર્યરત છે તેવામાં લોકોને વધુ રાહત મળે તે આશયથી પડતર કિંમતે જ દવા વેચવાનો સ્ટોર શરૂ થઈ રહ્યો છે ત્યારે તેના સંચાલન પાછળનો તમામ ખર્ચ જેમાં લાઈટ બિલ, પગાર સહિતનો બોજો સેવાભાવીઓ દ્વારા જ ઉઠાવવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે.