રાજકોટના મેયરનું પૃથ્વી ઉપર વજન 75 જ્યારે ચંદ્ર ઉપર 12.3 કિલો વજન
લોક વિજ્ઞાન કેન્દ્રમાં બ્રહ્માંડના વિવિધ ગ્રહોમાં લોકોનું વજન દર્શાવતા મશિનનું લોકાર્પણ કરાયું
રાજકોટના રેસકોર્સમાં આવેલા ઓ. વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ડો. વિક્રમ સારાભાઈની 104મી જન્મ જયંતી નિમિતે બ્રહ્માંડના વિવિધ ગ્રહોમાં આપણુ વજન કેટલું થાય તે મપવા અંગેના મશિન (વજન કાંટો)નું રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવના હસ્તે લોકર્પણ કરવામાં આવ્યું હતું.
વજન કાંટાના લોકાર્પણ પ્રસંગે મેયર ડો. પ્રદીપ ડવે પણ પોતાનું વજન કરાવ્યું હતું. જેમાં તેમનું પૃથ્વી ઉપરનું વજન 75 કિલો જ્યારે ચંદ્ર ઉપરનું વજન 13.3 કિલો, મંગળ અને બુધ ઉપર 28.5 કિલો, શુક્ર ઉપર 67.5 કિલો, યુરેનસ ઉપર 68 કિલો તો શનિ ગ્રહ ઉપર 80 કિલો વજન નોંધાયું હતું. જ્યારે નેપ્ચ્યુન ઉપર 85.6 અને સુર્ય ઉપર 2102 કિલો વજન નોંધાયુ હતો. આ પ્રસંગે ઉપસ્થિતિ તમામ લોકોએ પણ બ્રહ્માંડના જુદા જુદા ગ્રહો ઉપર પોતાનું વજન કેટલું હોઈ શકે તે જાણવા માટે વજન કરાવ્યું હતું.
સુર્ય-ચંદ્ર સહિતના દરેક ગ્રહ પર તે ગ્રહના ગુરુત્વાકર્ષણ પ્રમાણે આપણુ વજન હોય છે. જેમ ગુરુત્વાકર્ષણ વધારે તેમ વજન પણ વધારે હોય છે. ત્યારે હવે રેસકોર્ષમાં આવેલા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે રાજકોટવાસીઓ બ્રહ્માંડના ગ્રહો પર પોતાનું વજન કેટલું હોય શકે તે જાણી શકશે.આ ઉપરાંત શનિવારે મૂળ રાજકોટના અને ઇસરોના નિવૃત વૈજ્ઞાનિક તેમજ સાયબર સિક્યુરિટીના વડા ડો. હરેશ એચ. ભટ્ટના હસ્તે ડો. વિક્રમ સારભાઈની જન્મ જયંતી નિમિતે “ડો. વિક્રમ સારાભાઈ ભારતના એક સ્વપ્ન દ્રષ્ટા” પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.