મસતીયા ગામે જુગાર રમવા ગયેલી રાજકોટની મહિલા સહિત ત્રણની ગોંધી રાખી ૨ લાખ પડાવ્યા
જુગારમાં ૧ લાખ હારી ગયા બાદ ક્લબ સંચાલકે ૨૦ હજાર ઉછીના આપ્યા તેના બદલે ૨ લાખ માંગ્યા
જામનગરના મસતીયા ગામે જુગાર રમવા ગયેલ રાજકોટની એક મહિલા સહિત ત્રણ જુગારીઓ ૧ લાખ હારી ગયા બાદ જુગારક્લબના સંચાલક પાસેથી ઉછીના ૨૦ હજાર લીધા બાદ તે રકમ હારી જતાં તેની ઉઘરાણી કરી જુગારની ક્લબના સંચાલકે ત્રણેયને ગોંધી રાખી ૨૦ હજારના બદલે 2 લાખની માંગણી કરી બેફામ મારમારતા ત્રણેય રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં આ મામલે રાજકોટ પોલીસે જામનગર પંચકોશી બી ડિવિઝનને ફરિયાદ માટે જાણ કરી હતી.
રાજકોટના રામાપીર ચોકડી પાસે બંસી એપાર્ટમેન્ટમાં રહેતા દિવ્યાબેન વિજયભાઈ દેવડા અને તેની સાથેના જાબીરભાઈ અને અશોકભાઈ ઇકો ગાડીમાં ૧ લાખ રોકડ લઈ જામનગરના મસીતીયા ગામે વાડીમાં કાલાવડના ઇશુભાઈ નામનો શખ્સ જુગારક્લબ ચલાવતો હોય ત્યાં રમવા ગયા હતા. 1 લાખ ની રોકડ લઈ જુગારમાં હારી ગયા હતા એને ત્રણેય ઘરે જવા નીકળતા હતા ત્યારે ઈશુએ જમીને ઘરે જજો તેમ કહયું હતું જેથી જમવા રોકાયા હતા અને જમ્યા બાદ ઘરે જતાં હતા ત્યારે ઈશુએ ત્રણેયને ફરીથી જુગાર રમવા માટે આમંત્રણ આપી જુગાર રમવા ઉછીનાં 20 હજાર આપ્યા હતા જે રકમ પણ હારી જતા અશોકભાઈએ ઈશુએ ઉછીના આપેલા રૂ. ૨૦ હજાર પૈકી તેની પાસે રહેલા 10 હજાર આપી બાકીના 10 હજાર પછી આપવાનું કહી ઘરે જવા નીકળતા હતા ત્યારે ઈશુએ માથાકૂટ કરી હતી અને 10 હજારને બદલે 2 લાખની આપવા પડશે તેમ કહી જ્યાં સુધી પૈસા ન આવે ત્યાં સુધી ત્રણેયને ગોંધી રાખ્યા હતા અને ઈશુ એમજ તેના સાગરીત ઈમરાન,આદમ,સલીમ અને અલ્તાફે બેફામ મારમાર્યો હતો.
અશોકભાઈ,જાબીરભાઈ અને દિવ્યાબેનને રાજકોટમાં એક પરિચિતનો સંપર્ક કરી બે લાખની વ્યવસ્થા કરી હતી અને જાબીરભાઈનો પુત્ર ખંભાળિયા રોડ પર ૨ લાખ રકમ લઈ આવ્યો હતો જે રકમ મળ્યા બાદ ત્રણેયને ઈશુએ મુક્ત કર્યા હતા અને રાજકોટ આવ્યા બાદ દિવ્યાબેન સારવાર માટે રાજકોટ સિવિલમાં દાખલ થયા હતા આ મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોંકીના સ્ટાફે ફરિયાદ જામનગર પંચકોશી બી ડિવિઝનને જાણ કરતાં પોલીસ ફરિયાદ માટે તજવીજ શરૂ કરી છે.
