નયારા પેટ્રોલપંપ પાછળ સરકારી જમીનમાં મોટાપાયે દબાણ
તો… 15મી બાદ રૈયામાં બુલડોઝરની ધણધણાટી
રૈયા રોડ ઉપર રામેશ્વર હોલ સામે યુએલસીનો 5000 ચોમીનો પ્લોટ હડપ થઇ જતા 30 અસામીઓને આખરી નોટિસ
રાજકોટ શહેરમાં યુએલસી ફાજલ થયેલ લાખો ચોરસ મીટર કિંમતી જમીન જમીન કૌભાંડીઓના નિશાના ઉપર છે અને ભૂમાફિયા મન પડે ત્યાં આવી સરકારી જમીન ઉપર મકાન, દુકાન અને કારખાના બનાવી ખુલ્લેઆમ સોદા કરી રહ્યા છે ત્યારે પશ્ચિમ મામલતદાર દ્વારા રૈયા સરવે નંબર 156ની 5000 ચોરસ મીટર યુએલસી ફાજલ જમીન ઉપર ખડકાયેલા દબાણ હટાવવા મામલે આખરી નોટિસ ફટકારી આગામી તા.15 બાદ તમામ દબાણોનો કડૂસલો બોલાવી દેવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના રૈયા રોડ ઉપર બાપા સીતારામ ચોકની સામેની તરફ રામેશ્વર હોલ પાસે રૈયા સરવે નંબર 156 પૈકીની યુએલસી ફાજલ થયેલી જમીન ઉપર છેલ્લા ઘણા વર્ષોથી જમીન કૌભાંડી તત્વો દ્વારા દબાણો ઉભા કરી અહીં રહેણાંક, કોમર્શિયલ, વેલ્ડીંગની દુકાન, આઇસ્ક્રીમનું ગોડાઉન, એસી રીપેરીંગની દુકાન અને ગેરેજ સહિતના અલગ -અલગ બાંધકામો કરી દબાણ ખડકી દેવામાં આવતા પશ્ચિમ મામલતદાર દ્વારા સમગ્ર મામલે 30 જેટલા આસામીઓને નોટિસો ફટકારવાં આવી હતી.
વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે, રૈયા સરવે નંબર 156 પૈકીની યુએલસી ફાજલ જમીન ઉપર દબાણ મામલે અગાઉ પશ્ચિમ મામલતદાર દ્વારા દબાણ ઉભા કરી લેનાર વિજય આહીર, રમેશ આહીર, વિનુ આહીર અને ભરત બાંભવા સહિતના અસામીઓને નોટિસો ફટકાર્યા બાદ હવે આગામી તા.15 ઓક્ટોબર સુધીમાં યુએલસી ફાજલ સરકારી જમીન ખાલી નહીં કરવામાં આવે તો તા.15 ઓક્ટોબર બાદ ગમે ત્યારે બુલડોઝર લઈ ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવનાર હોવાના સ્પષ્ટ સંકેતો આપ્યા હતા.
