કરોડો કમાઈ લેવાની લાલચમાં અનેક મોટા માથાઓએ નકલી લેખ બનાવ્યાનો ધડાકો
નકલી રાજાશાહી લેખ કૌભાંડમાં ગાંધીનગરમાં પડઘા પડયા
મહેસુલ વિભાગ, સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ સહિતના વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ચોકી ઉઠ્યા
રાજકોટ શહેર અને આજુબાજુના વિસ્તારમાં આવેલ કરોડોની કિંમતી સરકારી જમીન હડપ કરી લેવા માટે સુવ્યવસ્થિત કૌભાંડ આચરનારી ભેજા બાજ ટોળકીએ રાજાશાહી સમયના બનાવટી લેખ ઉભા કરી મવડી વિસ્તારની જમીન પોતાના બાપદાદાની હોવાનો ખોટો દાવો કરવા પ્રકરણમાં રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે રાજકોટમાં આવા 350 જેટલા બોગસ લેખ ફરી રહયા હોવાનો અહેવાલ સામે આવતા જ ગાંધીનગર મહેસુલ વિભાગ અને સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ સહિતના વિભાગો ચોકી ઉઠ્યા છે, હાલમાં જિલ્લા કલેકટર દ્વારા સમગ્ર મામલે ગુપ્ત તપાસ ચાલી રહી છે અને આવનાર દિવસોમાં નકલી લેખ કૌભાંડમાં અનેક મોટામાથાઓના નામ સામે આવે તેવા સંકેતો મળી રહ્યા છે.
રાજકોટની અભિલેખાગાર કચેરીમાં રાજકોટના તેમજ આજુબાજુના રાજવી પરિવારના લેખનો ખજાનો પડ્યો છે ત્યારે આ લેખના ખજાનાના જાણકાર એવા કચેરીના જ એક પૂર્વ કમર્ચારીએ રાજકોટના જમીન કૌભાંડિયા તત્વો મારફતે સરકારી જમીન હડપ કરવા કારસો રચી નકલી લેખનો ધીકતો ધંધો શરૂ કર્યો હતો જેમાં લેભાગુ તત્વો મુર્ગા ગોતી લાવતા અને અભિલેખાગાર કર્મચારી માત્ર બે લાખમાં મવડી, રૈયા, નાનામવા, મોટામવા, મહીકા સહિતના ગામોના નકલી લેખ બનાવી આપતા. જો કે વાત અહીંથી જ ન અટકતી રાજકોટના જમીન કૌભાંડિયા તત્વો આવા નકલી લેખ જે જે લાલચુઓને આપતા તેઓ પાસેથી બાદમાં પણ મોટી રકમ પડાવી જમીનની એન્ટ્રી પડાવવી, પંચરોજકામ કરાવવા સહિતના કામો રાખી કમાણી કરતા હતા.
બીજી તરફ અભિલેખાગાર કચેરીમાંથી શરૂ થયેલા સરકારી જમીન હડપ કરી લેવાના આ જબરદસ્ત કૌભાંડ મામલે જિલ્લા કલેકટર દ્વારા ગુપ્તરાહે તપાસ કરવામાં આવતા મવડી સર્વે નંબર 194ની સરકારી ખરાબાની જમીન પોતાની બાપદાદાની હોવાનો દાવો કરનાર બે નાની માછલીઓ જાળમાં સપડાઈ ગઈ છે જો કે, હજુ સુધી આ કૌભાંડ આચરનાર કે નકલી રાજાશાહી લેખ તૈયાર કરનાર સુધી પોલીસ પહોંચી નથી, બીજી તરફ રાજકોટમાં આવા 300થી 350 જેટલા નકલી લેખ બનાવવામાં આવ્યા હોવાના અહેવાલો પ્રસિદ્ધ થતા જ ગાંધીનગર મહેસુલ વિભાગ અને સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ સહિતના વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ચોકી ઉઠ્યા હોવાનું સામે આવ્યું છે. રાજાશાહી લેખ મામલે હાલમાં ચાલી રહેલી ગુપ્ત તપાસમાં અનેક મોટામાથાઓ ઝપટે ચડે તેવા સંકેત પણ મળી રહ્યા છે.
અનેક લાલચુ લોકોને ખેડૂત ખાતેદાર બનવા માટે લેખ બનાવ્યાનો ધડાકો
સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોતધારો અને ગુજરાત જમીન મહેસુલ કાયદાને કારણે રાજ્યમાં બિન ખેડૂત ખાતેદારો જમીન ખરીદી શકતા નથી અને ખેડૂત ખાતેદાર બનવા માટે અનેક લોકો નવાનવા હથકંડા અપનાવી વારસાઈ નોંધ સહિતનો સહારો લેતા હોય છે ત્યારે રાજકોટની ભેજાબાજ ટોળકીએ અનેક લોકોને રાજાશાહી લેખના આધારે તમે ખેડૂત ખાતેદાર બની જશો તેવી લાલચ આપીને પણ શીશામાં ઉતાર્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.