રાજકોટમાં ચાલું વર્ષે ૪૫૦ કરોડની જમીન વેચશે મનપા
પેઈડ એફએસઆઈ થકી ૧૭૫ કરોડની કમાણી કરવાનો લક્ષ્યાંક
મહાપાલિકાના ડ્રાફ્ટ બજેટમાં ૨૦૨૪-૨૫ના વર્ષમાં ૪૫૦ કરોડ રૂપિયાની જમીન વેચવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ૧૭૫ કરોડ જેટલી કમાણીનો ટાર્ગેટ પેઈડ એફએસઆઈ થકી રખાયો છે. ગત વર્ષે મતલબ કે ૨૦૨૩-૨૪ના બજેટમાં જમીન વેચાણનો લક્ષ્યાંક ૪૦૦ કરોડનો હતો જેની સામે માત્ર ૧૫૦ કરોડની જમીન જ વેચાઈ હતી ત્યારે આ વર્ષે ટાર્ગેટમાં ૫૦ કરોડનો વધારો કરાયો છે તે પૂર્ણ થાય છે કે કેમ તે એક પ્રશ્નાર્થ છે.
કાલાવડ રોડ પર કટારિયા ચોકડીએ દ્વારકાના સિગ્નેચર બ્રિજ જેવો જ કેબલ બ્રિજ બનશે
ગત વર્ષના બજેટમાં પ્રિ-ફિઝિબિલિટી રિપોર્ટની જોગવાઈ કરાઈ’તી જે પૂર્ણ થતાં હવે કામ આગળ ધપશે: રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે પણ બ્રિજ બનાવવા માટેના સર્વેનું કામ પૂરું કોઠારિયા સ્મશાન પાસે ખોખડદડ નદી પર સ્પીલ્ટ બ્રિજ તેમજ વોર્ડ નં.૧માં રૈયા સ્માર્ટ સિટીને જોડતાં રસ્તા પર ફોર લેન બ્રિજ બનાવવાનું આયોજન: બ્રિજના કામ માટે ૯૨.૪૫ કરોડની જોગવાઈ
રાજકોટમાં ટ્રાફિકનું સુચારું સંચાલન થઈ શકે તે માટે અત્યાર સુધીમાં પાંચ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે જેના પરથી દરરોજ હજારોની સંખ્યામાં નાના-મોટા વાહનો પસાર થઈ રહ્યા છે. શહેરનો વસતી-વિસ્તાર વધી રહ્યા હોવાથી બ્રિજની સંખ્યામાં વધારો કરવો પણ જરૂરી બની જાય છે ત્યારે આવનારા સમયમાં અન્ય વિસ્તારોમાં નવા બ્રિજ બનાવવાની જોગવાઈ ડ્રાફ્ટ બજેટમાં કરવામાં આવી છે.
મ્યુનિ.કમિશનર આનંદ પટેલે જણાવ્યું કે કાલાવડ રોડ, કોટારિયા ચોકડીએ બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્રિજની ડિઝાઈન દ્વારકામાં જે પ્રકારે સિગ્નેચર બ્રિજ બનાવાયો છે તે જ પ્રકારની કેબલ બ્રિજ જેવી હશે. આ ઉપરાંત તેમાં અન્ય આકર્ષણો પણ ઉમેરાશે. અહીં બ્રિજ બની શકે કે કેમ તે માટે ટ્રાફિક સર્વે અને પ્રિ-ફિઝિબિલિટી રિપોર્ટની જોગવાઈ ગત વર્ષના બજેટમાં કરાઈ હતી જે પૂર્ણ થઈ ગઈ છે. આવી જ રીતે રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે બ્રિજ બનાવવા માટે પ્રિ-ફિઝિબિલિટી રિપોર્ટ અને સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જ્યારે પીડીએમ ફાટક ઉપર રેલવે અન્ડર બ્રિજ બનાવવા માટેની ડિઝાઈન ફાઈનલ થઈ ચૂકી છે.
વોર્ડ નં.૧૮માં કોઠારિયા સ્મશાન પાસે ખોખડદડ નદી પર સ્પીલ્ટ બ્રિજ તેમજ વોર્ડ નં.૧માં રૈયા રોડ પર સ્માર્ટ સિટીને જોડતાં રસ્તા પર ફોર-લેન બ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે તો ગોંડલ રોડ પર રાજકમલ ફાટક પર રેલવે બ્રિજ બનાવવા માટે પ્રિ-ફિઝિબિલિટી રિપોર્ટની કામગીરી હાથ ધરવામાં આવશે. એકંદરે બ્રિજના કામ માટે કુલ ૯૨.૪૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.