કુપોષિત બાળકોને દૂધ અને પ્રોટીન પાવડર અપાશે
લોધીકા તાલુકાની આંગણવાડીઓથી પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ, રાજકોટ ડેરીએ 10 લાખનું અનુદાન આપ્યું
રાજકોટ : રાજકોટ જિલ્લામાં કુપોષિત બાળકોને સ્વસ્થ બનાવવા માટે રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા ખાસ પાયલોટ પ્રોજ્ક્ટ ઘડી કાઢવામાં આવ્યો છે જે અંતર્ગત સૌ પ્રથમ લોધીકા તાલુકાની આંગણવાડીઓમાં કુપોષિત અને અતિ કુપોષિત બાળકોને દૈનિક આહારમાં દૂધ અને પ્રોટીન પાવડર આપી કુપોષણને તિલાંજલિ આપવામાં આવશે, આ પ્રોજેક્ટ માટે પ્રથમ તબ્બકે રાજકોટ ડેરીએ જિલ્લા પંચાયતને 10 લાખનું અનુદાન પણ આપ્યું હોવાનું જિલ્લા વિકાસ અધિકારી ડો.નવનાથ ગવ્હાણેએ જણાવ્યું હતું.
આર્થિક સમૃદ્ધ ગુજરાતમાં કુપોષિત બાળકોની સ્થિતિ ચિંતાજનક છે, રાજ્યમાં 5 વર્ષથી ઓછી વયના 39.73 ટકા બાળકો કુપોષિત છે. એટલે કે, રાજ્યમાં પ્રત્યેક ચોથું બાળક કુપોષણની સમસ્યા ધરાવે છે. આ ઉપરાંત 21.39 ટકા બાળકોને નિર્ધારિત માપદંડ કરતાં ઓછું વજન ધરાવે છે. સમગ્ર દેશની વાત કરીએ તો જૂન 2024માં કુપોષણની સૌથી વધુ સમસ્યા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને હતું.બીજી તરફ રાજકોટ જિલ્લામાં પણ કુપોષિત બાળકોની સંખ્યા 4,673 છે અને આ પૈકી 1218 બાળકો અતિ કુપોષિત બાળકની કેટેગરીમાં આવતા હોય રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી ડો.નવનાથ ગવ્હાણે દ્વારા કુપોષણ સામે પોષણનો જંગ છેડવા નકકી કરી લોધીકા તાલુકા માટે પાયલોટ પ્રોજેક્ટ નક્કી કર્યો છે.
કુપોષિત બાળકોને સ્વસ્થ બનાવવા માટેના જિલ્લા વિકાસ અધિકારી ડો.નવનાથ ગવ્હાણેના ડ્રિમ પ્રોજકેટ અંતર્ગત આંગણવાડીમાં આવતા કુપોષિત બાળકોને હાલમાં સરકારી યોજના અંતર્ગત આપવામાં આવતા ખોરાકની સાથે સાથે દૂધ તેમજ પ્રોટીન પાવડર આપવામાં આવશે, પ્રથમ તબ્બકે લોધીકા તાલુકામાં દાતાઓના સહયોગથી શરૂ થઇ રહેલા આ પ્રોજેક્ટમાં રાજકોટ ડેરીએ રૂપિયા 10 લાખનું અનુદાન આપ્યું હોવાનું ડીડીઓ ડો.નવનાથ ગવ્હાણેએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં કુલ 1360 આંગણવાડીઓ આવેલી છે જેમાં હાલમાં કુપોષિત બાલકોને આંગણવાડી મારફતે બાલશક્તિ, અમુલ પાવડર, નક્કી કરેલી માત્રામાં આપવામાં આવે છે ત્યારે ડીડીઓ પોતે પણ ડોક્ટર હોય તેઓએ કુપોષિત અને કુંઠિત વિકાસ ધરાવતા બાળકો અંતે આંગણવાડીમાં જ દૂધ તેમજ સારો પ્રોટીન પાવડર આપવામાં આવે તો કુપોષણની સમસ્યા દૂર થઇ શકે તેમ હોવાનું જણાવી આવનાર દિવસોમાં લોધીકા બાદ અન્ય તાલુકાઓમાં પણ કુપોષિત બાળકો માટે દૂધ અને પ્રોટીન પાવડરનો પ્રોજેક્ટ શરૂ કરવા તૈયારી દર્શાવી હતી.
રાજકોટ જિલ્લામાં કુપોષિત બાળકોના આંકડા
રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકામાં સૌથી વધુ કુપોષિત બાળકો હોવાના આંકડા સામે આવ્યા છે, જિલ્લામાં તાલુકા દીઠ કુપોષિત બાળકોની સ્થિતિ નીચે મુજબ છે.