રાજકોટના બગીચાઓને ઢંગધડાયુક્ત બનાવો: મેયર
કસરતના સાધનો મુકવા, જોગર્સ ટે્રકની સુવિધા ઉભી કરવા, વૃક્ષોને ચૂના-ગેરુથી રંગવા સહિતના સુચન: ચોમાસું પૂરું થાય કે તુરંત કામ શરૂ કરવા કમિશનરને પત્ર
રાજકોટના મેયર નયનાબેન પેઢડીયાએ મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈને પત્ર લખીને શહેરના તમામ બગીચાઓને ઢંગધડાયુક્ત બનાવવા સુચન કર્યું છે. પત્રમાં તેમણે જણાવ્યું કે ચોમાસાની ઋતુ પૂર્ણ થાય કે તુરંત જ બગીચાઓને ઠીકઠાક કરવાની કામગીરી શરૂ કરી દેવી જોઈએ સાથે સાથે તેમણે બગીચાઓને સુચારું રીતે બનાવવા માટે સુચન પણ કર્યા છે.
મેયર દ્વારા કરવામાં આવેલા સુચન પ્રમાણે બગીચામાં રહેલા તમામ વૃક્ષોને ચૂના-ગેરુથી રંગવા, બગીચા ફરતેની ચેઈનલિંક જાળી-કમ્પાઉન્ડ વોલ તૂટી ગઈ હોય તો તેને રિપેર કરાવી કલર કરાવવા, કસરતના સાધનો તૂટી ગયા હોય તો તેને ઠીક કરવા, જરૂરિયાત પ્રમાણે બગીચાઓમાં કસરતના સાધન મુકવા, જોગર્સની ટે્રકની સુવિધા ઉભી કરવા, ટે્રક ફરતે વૃક્ષ-છોડ આસપાસના ક્યારાના પથ્થરોને કલર કરવા, બગીચામાં આવેલા ઈલેક્ટ્રિક પોલને કલર કામ કરાવવા, બગીચાનું નામ દર્શાવતાં બોર્ડને તેમજ નિયમો-સુચના દર્શાવતાં બોર્ડને કલર કામ કરાવવું, તૂટેલા બાંકડા રિપેર કરાવવા, વૃક્ષો તેમજ છોડનું જરૂરી ટ્રિમિંગ કરાવવા ઉપરાંત નવી કચરા પેટી મુકવા સહિતનો સમાવેશ થાય છે.
