લેટર બૉમ્બ ! સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં મહિલા દ્વારા યુવતીની જાતિય સતામણી
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં અવાર -નવાર ફૂટી રહેલા લેટર બૉમ્બમાં હવે બાયોસાયન્સ ભવન ચર્ચાના ચકડોળે
રાજકોટ : ધણીધોરી વગરની સૌરાષ્ટ્ર યુનિવર્સીટી હંમેશા કોઈને કોઈ વિવાદમાં સપડાયેલ રહે છે ત્યારે રેગિંગ મામલે યુજીસીની કડક ગાઇડલાઇનનો કોઈ વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓ દ્વારા નહીં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી દ્વારા ભંગ કરી યુનિવર્સીટીના ભવનમાં ભણતી વિદ્યાર્થીની જાતીય સતામણી કરી હોવાનો સ્ફોટક પત્ર યુનિવર્સીટીના રજિસ્ટ્રારને મોકલ્યો હોવાનું તેમજ આ પત્ર બાદ પગલાં નહીં લેવામાં આવતા પત્રની નકલ પ્રચાર માધ્યમો સુધી પહોંચતી કરવામાં આવી છે. જો કે આ પત્રમાં દર્શાવેલી વિગતો અક્ષરસઃ જાહેર કરી શકાય તેમ નથી છતા યુનિવર્સીટીમાં ચાલતી લોલમલોલ વિશે તેમજ યુનિવર્સીટી સલંગ્ન રાજકોટની અને મોરબીની કોલેજ વિષે પણ આ પત્રમાં ઘણું ઘણું લખવામાં આવ્યું છે. જો કે, ચર્ચાસ્પદ પત્ર અંગે યુનિવર્સીટીના રજિસ્ટ્રારને પૂછવામાં આવતા આવો કોઈ પત્ર ન મળ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના બાયોસાયન્સ ભવનમાં ચાલતા આંતરિક ખટરાગ અથવા તો ભવનમાં એકબીજાના દાવ લેવા માટે લખવામાં આવેલ આ પત્રમાં લખાયું છે કે, વિદ્યાભવનમાં હિન્દી વેબસીરીઝ જેવા ખેલ થઇ રહ્યા છે, સાથે જ એક મહિલા કર્મચારી દ્વારા વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરવામાં આવી હોવાનું પણ આ પત્રમાં જણાવી વિદ્યાર્થીનીઓને થતી હેરાનગતિ મામલે ત્રણ મહિના પૂર્વે ફરિયાદ બોક્સમાં ફરિયાદ નાખવા છતાં પગલાં ન લેવાયા હોવાનું જણાવવામાં આવ્યું છે અને આ ફરિયાદની નકલ પીએમઓ ઓફિસ, રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મહિલા અયોગ્ય ગાંધીનગરને પણ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, યુનિવર્સીટીમાં ચકચારી બનેલા આ પત્રમાં વિદ્યાર્થીની જાતીય સતામણી કરતા પણ વધુ યુનિવર્સીટીમાં ચાલતી ખટપટને લઈ કોઈ વિઘ્નસંતોષીએ એકબીજાનો દાવ લેવા માટે પણ યુનિવર્સીટીના લેટરબોક્સમાં પત્ર નાખ્યાનું સૂત્રો જણાવી રહ્યા છે, ખાસ કરીને પત્રમાં હરિવંદના કોલેજ, મોરબીની નવયુગ કોલેજ અને બે મહિલા પાત્રો ઉપરાંત ફૂલઝાડ વાવવા માટેના કુંડા જેવા પાત્રોનો પણ ઉલ્લેખ કરી હરિવંદના કોલેજમાં લેટરકાંડ આચરવામાં પણ યુનિવર્સીટીના આ જ મહિલા પાત્રનો હાથ હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે, આ પત્રને લઈ ગુપ્તરાહે તપાસ પણ થઇ ચુકી હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે છતાં આ મામલે યુનિવર્સીટીના સતાધીશો કંઈક છુપાવી રહ્યા હોવાનું અને આગામી સમયમા આવનાર ભરતી પ્રક્રિયાને ઈને પણ લેટરકાંડ બહાર આવ્યાનું મનાઈ રહ્યું છે.