છોડો કલ કી બાતે…: પુરુષોત્તમ રૂપાલાનો પ્રચાર ફરી શરુ
આશાપુરા માતાજીના દર્શન કર્યા અને ટીફીન બેઠક યોજી
ઘર ઘર જનસંપર્ક કરીને ભાજપને મત આપવા કરી અપીલ

રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિયો વચ્ચેના વિખવાદ વચ્ચે રાજકોટમાં ભાજપ દ્વારા બીજા તબક્કાના પ્રચારનો જોરશોરથી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. દિલ્હી હાઈકમાન્ડને મળી આવ્યા પછી ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા જોશમાં છે અને પ્રચારમાં લાગી ગયા છે. શુક્રવારે સવારે તેઓ સૌ પહેલા આશાપુરા માતાજીના મંદિરે ગયા હતા અને માતાજીને ચુંદડી ચડાવી માથું ટેકવ્યુ હતું.

રાજકોટમાં આત્મનિર્ભર મહિલા સંમેલનમાં પરષોત્તમ રૂપાલા ટિફિન લઇને પહોંચ્યા હતા. અહીં આ સંમેલનમાં પરષોત્તમ રૂપાલાએ મહિલા કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. આ તરફ સંવાદ બાદ પરષોત્તમ રૂપાલાએ ભાજપના કાર્યકરો અને નેતાઓ સાથે ટિફિન બેઠકનું પણ આયોજન કરાયું હોઇ તેમની સાથે ભોજન પણ લીધું હતું.
પરષોત્તમ રૂપાલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “આજે મહીલા મિટિંગ રાખવામાં આવી હતી . જેમાં ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં કાર્યકરો સાથે પણ વિચાર ટિફિન બેઠકો કરવામાં આવશે. આ તો આ જ છે રાજકોટથી ટિફિન બેઠકમાં શુભારંભ કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં અલગ અલગ લોકસભા વિસ્તારમાં પણ બેઠકો કરવામાં આવશે.”
આજે કમલમ ખાતે અમે જોહર કરશુ : પ્રજ્ઞાબા ઝાલા
પુરુષોત્તમ રૂપાલા સામે ચાલી રહેલા આંદોલન વચ્ચે કરણી સેનાના મહિલા અગ્રણી પ્રજ્ઞાબા ઝાલાએ શનિવારે અમદાવાદમાં જોહર કરવાની જાહેરાત કરી છે. તેમણે એક વિડીયો બનાવીને વાઈરલ કર્યો છે અને તેમાં તેમણે કહ્યું છે કે, અમારું વડાપ્રધાને સાંભળ્યું નથી તેથી હવે અમે જોહર કરશું. આ પૂર્વે હાથમાં મહેંદી પણ મૂકશું કારણ કે અમે બધી સુહાગન છીએ. તેમણે એવું પણ કહ્યું છે કે, અમે જે અલ્ટીમેટમ આપ્યું હતું તે પૂરું થઇ ગયું છે અને અમને હતું કે અમારે જોહર કરવાની જરૂર નહી પડે પરંતુ નરેન્દ્ર મોદીએ અમારી વાત ધ્યાનમાં લીધી નથી અને તેથી અમને લાગે છે કે હવે અમારે જોહર કરવાનો સમય આવી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રજ્ઞાબા ઝાલાએ બે દિવસ પહેલા જ ચીમકી ઉચ્ચારી હતી કે જો રૂપાલાને બદલવામાં નહી આવે તો અમે ભાજપના કમલમ કાર્યાલય ખાતે સામુહિક જોહર કરશું.
રૂપાલા નહી બદલાય એ અમને ખબર છે, આજે ક્ષત્રિય સમાજની રેલી : પદ્મિનીબા
પુરુષોત્તમ રૂપાલા સામેના આંદોલનનું રાજકોટમાં નેતૃત્વ કરી રહેલા પદ્મિનીબાએ આજે કહ્યું હતું કે, ભાજપ પુરુષોત્તમ રૂપાલાને નહી બદલે એ અમને ખબર પડી ગઈ છે અને તેથી અમારું આંદોલન ચાલુ રહેશે. તેમણે કહ્યું હતું કે, શનિવારે રાજકોટના બહુમાળી ભવન ચોકથી ક્ષત્રિય સમાજની વિશાળ રેલી નીકળશે અને કલેકટર કચેરીએ જઈને આવેદનપત્ર આપશે.
પદ્મિનીબાએ એમ પણ કહ્યું કે અમે અત્યારે ઘરે ઘરે રૂપાલાનો બોયકોટ કરવાની અપીલ કરતી પત્રિકાનું વિતરણ કરી રહ્યા છીએ અને આ કામ ચાલુ રાખશું. અત્રે ઉલ્લેખનીય છે કે પદ્મિનીબાએ રૂપાલાના નિવેદનના વિરોધમાં અન્નનો ત્યાગ કર્યો છે અને આજે તેનો ત્રીજો દિવસ છે.