વકીલોનો ટેબલ વિવાદ
ડિસ્ટ્રિકટ જજ સાથે મિટિંગ બાદ હવે નવેસરથી જનરલ બોર્ડ બોલાવાશે
પ્રથમ માળે જગ્યા ઓછી પડશે તો બીજા માળે ટેબલ રાખવાની વ્યવસ્થા ગોઠવાશે
રાજકોટની નવી કોર્ટનું કમૂહર્તામાં ઉદ્ઘાટન થયા બાદ શરૂ થયેલો વિવાદ અટકવાનું નામ લેતો નથી. ટેબલ રાખવા બાબતે છેલ્લા બે દિવસથી ચાલતો વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. ટેબલ રાખવા બાબતે આજે બાર એસોસિએશન દ્વારા યોજાયેલ જનરલ બોર્ડમાં એક સિનિયર વકીલે ચોક્કસ સમુદાયને ધ્યાનમાં રાખીને શબ્દ પ્રયોગ કરતાં મામલો ગરમાયો હતો. અને વકીલોમાં હાથો હાથની જામી પડી હતી. મામલો થાળે પાડવા પોલીસ બોલાવી પડી હતી. પરિસ્થિતી વણસી જતાં તાત્કાલીક ધોરણે જનરલબોર્ડ પણ સ્થગિત કરવું પડ્યું હતું. આ મામલે અંતે બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણી સહિતના આગેવાનોએ મામલો થાળે પડયો હતો. રાજકોટ ડિસ્ટ્રિકટ જજ સાથે મિટિગ બાદ હવે નવેસરથી જનરલ બોર્ડ બોલાવી ટેબલ રાખવા બાબતનો નિર્ણય લેવાશે નવા બિલ્ડિગમાં પ્રથમ માળે ટેબલ રાખવાની જગ્યા ટુંકી પડશે તો બીજા માળે વ્યવસ્થા કરવા માટેની પણ વિચારણા ચાલી રહી છે.
નવી કોર્ટના ઉદ્ઘાટનમાં ચીફ જસ્ટિસે રાજકોટના ન્યાયમંદિરના વખાણ કરી એક મોડેલ તરીકે જેની ગણના કરી તે ન્યાયમંદિરની ગરીમાને લાંછન લાગે તેવું કૃત્ય થયું હોય જેની ભારે ચર્ચા જાગી છે.
નવા કોર્ટ બિલ્ડિગમાં ટેબલ ગોઠવવા બાબતે થયેલી માથાકૂટનો અંત લાવવા મામલો ઉકેલવા માટે વર્તમાન બાર એસોસીએશન બોડી અને સિનિયર વકીલો તેમજ બાર એસોસિએશન અને ત્રણ જજની કમિટી પણ બનાવવામા આવી છે અને આજે આ મુદ્દે જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યુ હતુ. આ માટે બનાવાયેલ ત્રણ જજની કમિટીની હાજરીમાં એક સિનિયર વકિલે તેમની સ્પીચમાં અયોગ્ય ભાષાનો પ્રયોગ કરતા અન્ય વકિલો ઉકળી ઊઠ્યા હતા. વકિલોના બે જૂથ વચ્ચે છુટ્ટા હાથે મારામારી થઈ હતી. મામલો ઉગ્ર બનતા જનરલ બોર્ડ સ્થગિત કરવામાં આવ્યું હતું અને પોલીસ બોલાવવી પડી હતી.
ન્યાયમંદિરમાં સરાજાહેર બોલેલી બઘડાટી બાદ બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણી સહિતના આગેવાનોએ મધ્યસ્થી કરી છે અને મામલો થાળે પડયો હતો. જે બે પક્ષ વચ્ચે બઘડાટી બોલી હતી તેમાં બન્નેને બોલાવીને સમાધાનના કર્યું હતું. તેમજ ટેબલ રાખવા મુદ્દે ડિસ્ટ્રિક જજ સાથે મિટિગ યોજી યોગ્ય નિર્ણય આગામી દિવસમાં લેવામાં આવશે.
