આભ ફાટ્યું ! ઉપલેટાના લાઠ ગામે ત્રણ કલાકમાં 12 ઈંચ, કલ્યાણપુરમાં 4 કલાકમાં 11 ઈંચ
માણાવદરમાં 8, વિસાવદર અને સુરતના પલસાણામાં છ ઈંચ : દ્વારકામાં વધુ સાડાપાંચ ઈંચ, ઉપલેટામાં સવાપાંચ ઈંચ
રાજકોટ : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જાણે આભ ફાટ્યુ હોય એમ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજકોટના ઉપલેટાતાલુકાના લાઠ ગામમાં ત્રણ કલાકમાં 12 ઈંચથી વધુ વરસાદ પડતા આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાતા ગ્રામજનોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા અને અતિભારે વરસાદને પગલે ગામ જાણે બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ ઉભી થઈ હતી. બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં પણ વાદળ ફાટ્યું હોય તેમ માત્ર ત્રણ જ કલાકમાં 11 ઈંચ વરસાદ વરસતા ગામ ટાપુમાં ફેરવાઈ ગયું હતું.સોમવારે સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 147 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો.
સમગ્ર સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં સોમવારે વહેલી સવારથી ભારેથી અતિભારે વરસાદ શરૂ થયો હતો અને ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં મેઘરાજાએ તોફાની વરસાદ વરસાવતા માત્ર ત્રણ કલાકમાં જ ગામમાં પાણી-પાણીના દ્રશ્યો સર્જાયા હતા.લાઠ ગામના સરપંચ પૃથ્વીસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે સોમવારે સવારના છ વાગ્યાથી નવ વાગ્યા સુધીમાં 12 ઈંચથી વધુ વરસાદ ખાબકતા લાઠ ગામ તેમજ નજીકના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સાથે જ, ધોધમાર વરસાદને કારણે મોજ, વેણુ અને પાદર નદીના પાણી ગામમાં ઘુસતાં આખુ ગામ જાણે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. ભારે વરસાદ પડતા ગામલોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.સાથે જ ઉપલેટા મામલતદાર મહેશભાઈ ધનવાણીએ જણાવ્યું હતું કે, લાઠ અને ભીમોરા ગામ નીચાણમાં હોય પાણી ભરવાની સમસ્યા સિવાય અન્ય કોઈ જાનહાનિ કે નુકશાનીના બનાવો બન્યા નથી.
બીજી તરફ સોમવારે સવારથી મેઘરાજાની ધબધબાટી વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ અનરાધાર વરસાદ શરૂ થયો હતો અને કલ્યાણપુર તાલુકામાં માત્ર ત્રણ જ કલાકના સમય ગાળામાં 11 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાથી આખો વિસ્તારો પાણીમાં ડૂબ્યો હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.સાંબેલાધાર વરસાદને પગલે કલ્યાણપુર ગામમાં ઠેર-ઠેર પાણી ભરાઈ જવાની સાથે નીચાણવાળા અનેક રહેણાંકમાં પણ વરસાદી પાણી ઘરમાં ઘુસી ગયા હતા તેમજ કલ્યાણપુર આજુબાજુના ગામોમાં પણ ભારે વરસાદને કારણે જનજીવન થંભી ગયું હતું.બીજી તરફ જૂનાગઢના માણાવદરમાં આઠ ઈંચ, સુરતના પલસાણામાં અને જૂનાગઢના વિસાવદરમાં છ ઈંચ, જુનાગઢના માળીયા હાટીના અને દ્વારકામાં વધુ સાડાપાંચ ઈંચ અને ઉપલેટામાં સવાપાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો.
દ્વારકાના પાનેલી ગામે હેલીકૉપટરથી રેસ્ક્યુ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસી રહેલા વરસાદને કારણે કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામની નદીમાં ભારે પૂર આવતા 3 લોકો ફસાયા હતા. આ અંગેની માહિતી મળતાં જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર તેમજ ફાયર વિભાગ દ્વારા એરફોર્સની મદદ લઇ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકામાં કેશવપુરા ગામે 4 લોકો, ટંકારિયા ગામે 4 લોકોને વહિવટી તંત્ર અને એનડીઆરએફની ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા.
ક્યાં કેટલો વરસાદ
કલ્યાણપુર – 281
માણાવદર – 198
પલસાણા – 162
વિસાવદર – 149
બારડોલી – 147
માળીયા હાટીના – 135
દ્વારકા – 135
ઉપલેટા- 132
કામરેજ – 123
ગીરગઢડા – 120
કપરડા – 111
માંડવી- 107
વાપી – 99
કુતિયાણા – 95
ઉમરપાડા – 95
ઉમરગામ – 93
ચીખલી – 86
જૂનાગઢ – 84
રાણાવાવ – 83
કેશોદ – 78
અંકલેશ્વર – 78
સુરત – 76
વંથલી – 73