રાજકોટ જિલ્લામાં ગરીબોને લાખો ટન ઘઉં-ચોખાનું મફત વિતરણ કરાયું
દોઢ વર્ષમાં ૫૪,૮૩૦ મેટ્રિક ટન ચોખા, ૪૩,૨૪૮ મે. ટન ઘઉંનું વિતરણ
રાજકોટ : પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દેશભરના ગરીબોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાઈ રહ્યું છે. રાજકોટ જિલ્લામાં એપ્રિલ-૨૦૨૩થી લઈને ઓગસ્ટ-૨૦૨૪ સુધીમાં ગરીબોને ૫૪,૮૩૦ મેટ્રિક ટન ચોખા, ૪૩,૨૪૮ મે. ટન ઘઉંનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ (એન.એફ.એસ.એ.) હેઠળ રાજકોટ જિલ્લામાં કુલ ૩ લાખ, ૨૨ હજાર, ૯૩૮ રેશનકાર્ડ નોંધાયેલા છે. જેમાં ૧૩ લાખ, ૧૫ હજાર ૬૨૩ નાગરિકોનો સમાવેશ થયેલો છે. રાજકોટ જિલ્લામાં એપ્રિલ ૨૦૨૩થી લઈને માર્ચ-૨૦૨૪ સુધીમાં ૩૦,૫૬૫ મેટ્રીક ટન ઘઉં, ૩૭,૩૯૩ મે. ટન ચોખાનું વિનામૂલ્યે વિતરણ કરાયું છે. જ્યારે ૭૬૨.૪૧ મે. ટન તુવેરદાળ ઉપરાંત ૧,૭૬૮ મે. ટન ખાંડ, ૨૦૨૨ મે. ટન મીઠું ઉપરાંત ખાદ્યતેલના ૫૭૧ પાઉચનું વ્યાજબી ભાવે વિતરણ કરવામાં આવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ ૨૦૨૪થી લઈને ઓગસ્ટ ૨૦૨૪ સુધીમાં ૧૨,૬૮૩ મે. ટન ઘઉં, ૧૭,૪૩૭ મે. ટન ચોખાનું વિનામૂલ્યે વિતરણ કરાયું છે. જ્યારે ૬૨૭ મે. ટન ખાંડ, ૫૨૯ મે. ટન મીઠું તેમજ ૨૭૮ લીટર ખાદ્યતેલના પાઉચનું વ્યાજબી ભાવે વિતરણ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અને અન્ય કલ્યાણ યોજનાઓને ડિસેમ્બર ૨૦૨૮ સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે. પી.એમ.જી.કે.એ.વાય. એવી યોજના છે, જેમાં એન.એફ.એસ.એ. (નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ) યોજના અન્વયે રેશનકાર્ડધારકોને કાર્ડદીઠ એક કિલો ઘઉં તથા ચાર કિલો ચોખા મળીને કુલ પાંચ કિલો અનાજ વિનામૂલ્યે આપવામાં આવે છે. જ્યારે અંત્યોદય કાર્ડધારકોને ૧૫ કિલો ચોખા અને ૨૦ કિલો ઘઉં મળીને કુલ ૩૫ કિલો અનાજ વિનામૂલ્યે આપવામાં આવે છે.