પાળ રોડથી કૂવાડવા રોડ બનશે ફોર-લેન
કાંગશીયાળી, મનહરપુર, રોણકીમાં ૨૫ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરની સુવિધા: સોખડા, માલિયાસણ-વાજડી વડના ટીપી રસ્તાને ડામરથી મઢાશેરૂડા'ના ૨૫૬.૯૦ કરોડના બજેટને બહાલી
રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા) દ્વારા પાળ રોડથી કૂવાડવા રોડ સુધીના રસ્તાને ફોર-લેન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સહિતના વિકાસકાર્યોને
રૂડા’ના બજેટમાં બહાલી આપવામાં આવતાં ટૂંક સમયમાં કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
ખાસ કરીને `રૂડા’ના બજેટમાં રસ્તા અને બ્રિજના કામ પર ભાર આપવામાં આવ્યો છે. રસ્તા કામ માટે ૫૭.૩૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત રિંગરોડ-૨ અંતર્ગત પાળ રોહથી ગોંડલ રોડ અને ગોંડલ રોડથી કૂવાડવા રોડ સુધીના રસ્તાને ૪૦ કરોડના ખર્ચે ફોર-લેન બનાવવામાં આવશે.
જ્યારે કાંગશીયાળી અને મનહરપુર-રોણકી વિસ્તારમાં ૨૫ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરની સુવિધા, મનહરપુર-રોણકી ગામ વિસ્તારમાં મુકવામાં આવેલી ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં.૩૮/૨માં પાણી પૂરવઠાની યોજના માટે ૧૫ કરોડ, ડ્રાફ્ટ ટીપી વિસ્તારોમાં મનહરપુર-રોણકી, સોખડા-માલિયાસણ અને વાજડી-વડના ટીપી રસ્તાઓ પર ડામર રસ્તાઓ માટે ૨૫ કરોડ, મહાપાલિકાની હદથી રિંગરોડ-૨ને જોડતા રસ્તાને રેડિયલ રોડ બનાવવા માટે ૮ કરોડ, રૂડા વિસ્તારમાં સમાવિષ્ટ નાકરાવાડી, દેવગામ અને રતનપરમાં ભૂગર્ભ ગટર માટે ૩ કરોડ તેમજ જરૂરિયાત મુજબના અન્ય ગામો માટે ૧ કરોડ, ખોખડદળ, પરાપીપળીયા, નાકરાવાડી અને મનહરપુર, રોણકી તેમજ હરિપર પાળ સહિતના ગામોમાં ૧ કરોડના ખર્ચે સ્ટ્રીટલાઈટની જોગવાઈ કરવામાં આવી છે.
જ્યારે મેટોડાથી ખીરસરા રોડ પર ૧ કરોડના ખર્ચે સ્ટ્રીટલાઈટ, એઈમ્સ રોડને જોડતા ૩૦ મીટર ડીપી રોડ પર દોઢ કરોડના ખર્ચે સેન્ટ્રલ ડિવાઈડરમાં સ્ટ્રીટલાઈટ નાખવા સહિતની કામોને બજેટમાં મંજૂરીની મ્હોર લગાવાઈ છે. એકંદરે રૂડા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં ૧૭૮.૬૧ કરોડના વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવ્યા છે. રૂડાની બોર્ડ બેઠકમાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૫૬.૯૦ કરોડની આવક થશે જેની સામે ૨૨૭.૫૬ કરોડના બજેટને મંજૂરી અપાઈ છે. આ બેઠકમાં રૂડાના ચેરમેન તેમજ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, રિજિયોનલ કમિશનર (નગરપાલિકાઓ) સ્વપ્નીલ ખરે સહિતના ઉપસ્થિત રહ્યા હતા.