રાજકોટ સહિત આખા દેશમાં આતંક મચાવનાર ખૂંખાર ત્રીચી ગેંગ’ સકંજામાં
બે દિવસમાં બબ્બે કુખ્યાત ગેંગને દબોચવામાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા૧૫૦ ફૂટ રોડ પર ઈમ્પિરિયલ હાઈટસ નજીક કારનો કાચ ફોડી ૧૦ લાખની રોકડ-લેપટોપ ચોરી સહિતના ભેદ ઉકેલાશે
છ તસ્કરો ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં: મુદ્દામાલ રિકવર કરવા તજવીજ
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી એક પછી એક નાની-મોટી ચોરીઓ થઈ રહી છે જેના કારણે લોકોમાં ગજબનો ફફડાટ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ પોલીસે પણ તસ્કરોને દબોચી લેવા માટે કમર કસી લીધી હોય તેવી રીતે લગ્નપ્રસંગમાં મહેમાન બનીને લાખોની ચોરીને અંજામ આપતી મધ્યપ્રદેશની ખૂંખાર
કડીયાસાસી ગેંગ’ને પકડી લીધા બાદ હવે `ત્રીચી ગેંગ’ને દબોચી લેવામાં મોટી સફળતા સાંપડી છે. કાચ તોડીને ચોરી કરતી આ ટોળકીએ રાજકોટ સહિત દેશભરમાં અનેક ગુનાને અંજામ આપ્યો છે જેમાં આ ગેંગે ૧૫૦ ફૂટ રિંગરોડ પર કારખાનેદારની કારનો કાચ ફોડીને તેમાંથી ૧૦ લાખની રોકડ અને લેપટોપ ઉઠાવી લીધાનો પણ સમાવેશ થાય છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે સાધુ વાસવાણી રોડ પર રહેતાં કારખાનેદાર અર્જુન જયેશભાઈ અમૃતિયા ૧૫૦ ફૂટ રોડ પર આવેલા ઈમ્પિરિયલ હાઈટસ પાસે પોતાનો મોબાઈલ રિપેરિંગ કરાવવા માટે ગયા હતા. જો કે આ વેળાએ તેમની મર્સિડીઝ કારમાં ૧૦ લાખની રોકડ અને એક લેપટોપ પડ્યું હતું તે સાથે ન લઈ જતાં ત્રીચી ગેંગના ધ્યાન પર આ વસ્તુ આવી હતી. આ ગેંગ વૈભવી કાર જોઈને તેમાં મોટો હાથ લાગશે તેવી ગણતરીમાં જ હોવાથી જેવા અર્જુન અમૃતિયા કાર રેઢી મુકીને ગયા કે તુરંત જ તેનો કાચ ફોડી નાખીને અંદર રહેલી રોકડ અને લેપટોપ ઉઠાવીને પલાયન થઈ ગઈ હતી.
પકડાયેલા તસ્કરોનો ટાર્ગેટ અંબાણી પરિવારનો લગ્ન પ્રસંગ હતો કેમ કે ત્યાં મોંઘીદાટ ગાડીઓમાં લોકો આવતા હોવાથી આસાનીથી મોટી ચોરી થઈ શકે તેમ હતી પરંતુ ત્યાં ટાઈટ સિક્યોરિટી હોવાને કારણે તેની કારી ત્યાં ફાવી ન્હોતી અને પછી રાજકોટ આવ્યા હતા જ્યાં ૧૫૦ ફૂટ રોડ પર ચોરીને અંજામ આપ્યો હતો.
આ પછી પોલીસે ચારેય દિશામાં તસ્કરોને દબોચી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. આ બધાની વચ્ચે ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા સાંપડી હોય તેવી રીતે ગેંગનું પગેરું મળી ગયું હતું અને એક પછી એક કડી જોડતાં જોડતાં ગેંગ સુધી પહોંચી જવામાં સફળતા મળી હતી અને ગેંગના છ લોકોને પકડી પાડી મોટા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
વધુમાં જાણવા મળ્યા પ્રમાણે આ ગેંગ સામે દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં કારના કાચ ફોડી ચોરીને અંજામ આપવાના ૧૫ જેટલા ગુના તેમજ રાજકોટની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. ક્રાઈમ બ્રાન્ચે અત્યારે ગેંગને સકંજામાં લઈને મુદ્દામાલ રિકવર કરવા તજવીજ શરૂ કરી છે.
૩૦ જ સેક્નડમાં કારનો કાચ ફોડી નાખ્યો !
જાણવા મળેલી વિગતો પ્રમાણે ખૂંખાર ત્રીચી ગેંગ ચોરી કરવામાં એટલી પાવરધી હોય છે કે તે માત્ર ૩૦ જ સેક્નડમાં કોઈ પણ કારનો કાચ પછી તે ગમે એટલો મજબૂત હોય તેને તોડી નાખે છે. આ માટે તે ખાસ ગીલ્લોલ અને મશીનરીમાં વપરાતાં છરાનો ઉપયોગ કરે છે. ૩૦ સેક્નડમાં કાચ ફોડ્યા બાદ મિનિટોમાં તે કારની અંદર રહેલી મત્તા ચોરી કરવામાં માહેર છે.
ભાષાને કારણે પોલીસ પણ ગોટાળે ચડી: દુભાષીયો રાખ્યો !
ક્રાઈમ બ્રાન્ચે ત્રીચી ગેંગના શખ્સોને સકંજામાં લીધા બાદ આ લોકો હિન્દી-ગુજરાતી બોલી શકતા ન હોવાને કારણે તેમની પૂછપરછ કેવી રીતે કરવી તેને લઈને સ્ટાફ પણ ગોટાળે ચડ્યો હતો. આ પછી આ લોકોની ભાષા સમજી શકે તે માટે દુભાષીયો રાખ્યો હોવાનું જાણવા મળે છે અને તેના આધારે જ ગેંગના અન્ય સભ્યો અને મુદ્દામાલ રિકવર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.