વેકેશનમાં હરવા-ફરવાની સાથે બાળકોને વ્યસ્ત રાખો…
રજાના દિવસોમાં બાળકોની દિનચર્યા નિયમિત રાખવી જરૂરી છે
૨૧ દિવસનું દિવાળી વેકેશન પડવાનું છે ત્યારે બાળકો વેકેશનનો સદ્ઉપયોગ કરે તેના માટે શાળા તરફથી અપાય છે જુદી જુદી ટીપ્સ
શાળાઓમાં કોઈપણ પ્રકારનું વેકેશન પડે એટલે બાળકોને મામાનું ઘર યાદ આવે. આગામી તા.૯ નવેમ્બરથી ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આ વેકેશનનો બાળકો સદ્ઉપયોગ કરે તેની સાથોસાથ સકારાત્મક પ્રવૃત્તિઓ પણ વિચારે તે જરૂરી છે. વેકેશનના પગલે બાળકો હળવાશ અનુભવતા હોય છે. સામાન્ય રીતે વેકેશનમાં બાળકોને કેવા પ્રકારની પ્રવૃત્તિ કરવી તે બાબતે શાળામાં માર્ગદર્શન પણ અપાય છે અને અવનવી ટીપ્સ પણ શિક્ષકો તેમજ શાળાના સંચાલકો દ્વારા આપવામાં આવતી હોય છે. વેકેશનમાં હરવા-ફરવાની સાથે બાળકો પ્રવૃત્તિમય જીવન જીવે અને સમય વ્યવસ્થિત પસાર કરે તે જરૂરી છે.
વેકેશન પૂર્વે શાળાઓ તરફથી બાળકોને શિક્ષકો દ્વારા અવનવી ટીપ્સ આપવામાં આવતી હોય છે જેમાં મોટાભાગે રજાના દિવસોમાં શું શું કરવું ? સમય કેવી રીતે પસાર કરવો તે બાબતે જાણકારી અપાય છે. બાળકોને રજાના દિવસોમાં યોગ્ય પ્રવૃત્તિ આપવામાં ન આવે તો તેઓ તોફાન-મસ્તી કરશે. આવા સંજોગોમાં ક્યારેક બાળકોને મા-બાપ ખીજાતા હોય છે. વેકેશન દરમિયાન બાળકોની દિનચર્યા નિયમિત રાખવા ઉપર જાણીતા શિક્ષણવિદ્ અને તજજ્ઞ ડો.વિશાલ વારિયાએ જણાવ્યું હતું કે, રજામાં કે વેકેશનમાં બાળકોને થોડું મોડે સુધી સુવા દો… બાળકમાં ઉર્જાનો અખંડ ભંડાર ભરેલો હોય છે જેને દિવસ દરમિયાન યોગ્ય પ્રવૃત્તિઓ સાથે સાંકળવામાં ન આવે તો ઉર્જાનો વ્યય થાય છે.
સામાન્ય રીતે દિવાળીના ૨૧ દિવસના લાંબા વેકેશનમાં ક્યારેક વાલીઓ ફરવાનું આયોજન ઘડી કાઢતા હોય છે. જો કે મહત્તમ ૫થી ૭ દિવસનું જ આવું આયોજન હોય છે બાદમાં જેટલા દિવસો રજાના બાકી હોય છે તેમાં અવનવી પ્રવૃત્તિ બાળકોને કરાવવી જોઈએ. ક્યારેક જ્ઞાન સાથે ગમ્મત અને મનોરંજનના હેતુથી શિક્ષણ અને જ્ઞાનમાં વધારો થતો હોય છે તેમ ડો.વારિયાએ ઉમેર્યું હતું. રજાઓ દરમિયાન કોઈ દૂરની જગ્યા ઉપર ફરવા જવું, જેમ કે ક્રિડાંગણ, થીમપાર્ક, વોટર પાર્ક, ફાર્મ હાઉસ, ધાર્મિક સ્થલાલો, જોવાલાયક ઐતિહાસિક સ્થળની મુલાકાત કરાવવી જેથી બાળકોના જ્ઞાનમાં વધારો થાય. મોટાભાગે વેકેશનમાં બાળકોને બને ત્યાં સુધી મોબાઈલ અને ટીવીથી દૂર રાખવા જોઈએ. રજાનો સદ્ઉપયોગ જુદી જુદી રીતે થઈ શકે છે જેમાં બાળકોને ઈન્ડોર ગેમ્સ માટે પણ સમય ફાળવવો જોઈએ.
વેકેશન દરમિયાન બાળકને કોમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી છે
વેકેશન દરમિયાન બાળકને કોમ્પ્યુટર શીખવા માટે પ્રેરણા આપી અને જરૂર જણાય તો ઘર નજીક કોમ્પ્યુટર ક્લાસીસમાં સામાન્ય કોર્સ શીખવા માટે મોકલી શકાય. આ પ્રવૃત્તિથી બાળકને કોમ્પ્યુટર વિષય માટે રસ અને રૂચિ વધે તેમજ કોમ્પ્યુટર દ્વારા કાર્ય કેવું કરવું તેની સભાનતા આવશે. તેની સાથે ૨૧મી સદી સાથે અગત્યનું કૌશલ્ય ટાઈપિંગ અને કોમ્પ્યુટર સરળતાથી શીખી શકશે. આ ઉપરાંત વાંચન અને લેખન માટે સમય ફાળવવો જોઈએ, શૈક્ષણિક અભ્યાસથી પરિચિત રહે તે હેતુથી તેની પાસે તેના અભ્યાસકિય વિષયો પરત્વે લેખન-વાંચન માટે જરૂરી માર્ગદર્શન વાલીએ આપવું જોઈએ.
નિયમિત કસરત કે યોગ કરો
રજાના દિવસોમાં ખાસ કરીને વેકેશનના ૨૧ દિવસમાં બાળકોને જુદી જુદી પ્રવૃત્તિઓથી વાકેફ કરવા જોઈએ સાથોસાથ શારીરિક વિકાસ માટે અગત્યનો ભાગ ભજવી શકે તેવી પ્રવૃત્તિમાં નિયમિત કસરત અને યોગ કરાવવા જોઈએ તેનાથી ઘણો લાભ થાય છે. કસરત દ્વારા શરીર સુડોળ અને સુદૃઢ બને છે. જ્યારે યોગ દ્વારા માનસિક શાંતિ તેમજ દૃઢ મનોબળ કેળવાશે. આ પ્રવૃત્તિથી બાળકને અગણિત લાભ મળી રહેશે. સાથોસાથ વેકેશન દરમિયાન રોજિંદો કોઈ એક ચોક્કસ સમય ઈન્ડોર ગેમ્સ માટે ફાળવવો. તે સમય દરમિયાન વિવિધ ઈન્ડોર ગેમ્સ જેમ કે કેરમ, ચેસ, સાપસીડી, મોનોપોલી, પઝલ્સ વગેરે રમત રમવી જોઈએ.