મુખ્યમંત્રીના હસ્તે કેથલેબ-25 ઈલેક્ટ્રિક બસનો શુભારંભ
સિવિલમાં કેથલેબની સુવિધા ઉપલબ્ધ થઈ જતાં હવે દર્દીઓએ એન્જિયોપ્લાસ્ટિ-એન્જિયોગ્રાફી માટે અમદાવાદ સુધી ધક્કો નહીં ખાવો પડેઃ કેથલેબ ધરાવતી સિવિલ સૌરાષ્ટ્રની પ્રથમ સરકારી હોસ્પિટલ
ઈલેક્ટ્રિક બસ દોડતી થવાથી ધૂમાડા કાઢતી બસોમાંથી ટૂંક સમયમાં રાજકોટને મળશે છૂટકારોઃ નવી મુકાયેલી તમામ ઈલે.બસ બીઆરટીએસ રૂટ નહીં, શહેરમાં અલગ-અલગ રૂટ ઉપર દોડશેઃ કુલ સંખ્યા 50ને પારઃ વધુ 75 બસ આવી રહી છે
પેટાઃ એઈમ્સનું 73% કામ પૂર્ણ, ઑક્ટોબરથી દર્દીઓને દાખલ કરવાની સુવિધા શરૂ કરવા તૈયારીઃ દર 15 દિવસે કામગીરીની સમીક્ષા બેઠક યોજવા મુખ્યમંત્રીનો આદેશઃ ભૂપેન્દ્ર પટેલે એઈમ્સના દરેક વિભાગો નિહાળ્યા, દર્દીઓના હાલચાલ પૂછયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જન્માષ્ટમીના પર્વ પહેલાં રાજકોટની લીધેલી મુલાકાત દરમિયાન બ્ો મોટી ભેટ આપી હતી. તેમણે સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એવી પીડીયુ સિવિલ હોસ્પિટલમાં 10 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલી કેથલેબનું લોકાર્પણ કર્યું હતું. સાથે સાથે તેમના હસ્તે મહાપાલિકા દ્વારા વધુ 25 ઈલેક્ટ્રિક બસને લીલીઝંડી આપવામાં આવી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ ગુજરાતની સૌપ્રથમ એઈમ્સ હોસ્પિટલની મુલાકાત લઈને અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી હતી.
સૌથી પહેલાં સિવિલ હોસ્પિટલમાં શરૂ થયેલી કેથલેબની વાત કરવામાં આવે તો પીએમએસએસવાય (કોવિડ) બિલ્ડિંગમાં બનાવાયેલી કેથલેબ અને કાર્ડિયોલોજી વિભાગને મુખ્યમંત્રીને હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સુવિધા શરૂ થવાને કારણે સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને હવે હૃદયરોગની સારવાર રાજકોટમાં જ મળતી થઈ જશે અને અમદાવાદનો ધક્કો બચી જશે. મુખ્યમંત્રીએ કેથલેબ વિભાગમાં ઉપલબ્ધ સુવિધાઓનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું તેમજ કાર્ડિયોલોજીસ્ટ મનદીપ ટીલાળા પાસેથી દર્દીઓને ઉપલબ્ધ કરાવાયેલી સુવિધા અને સારવાર અંગેની વિગતો મેળવી હતી. આમ સરકારી હોસ્પિટલમાં કેથલેબની સુવિધા ધરાવતી હોય તેવી સિવિલ સૌરાષ્ટ્રની પ્રથમ સરકારી હોસ્પિટલ છે.
આ પછી મુખ્યમંત્રીએ મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતેથી 25 ઈલેક્ટ્રિક બસને લીલીઝંડી આપી હતી. મહાપાલિકાની જાહેર પરિવહન સેવા (બીઆરટીએસ-સીટી બસ સેવા)નું સંચાલન મહાપાલિકા નિર્મિત કંપની રાજકોટ રાજપથ લી. દ્વારા કરવામાં આવી રહ્યું છે. અગાઉ 50 ઈલેક્ટ્રિક બસ મંજૂર કરવામાં આવી હતી જે અત્યારે શહેરમાં દોડી રહી છે. જો કે આ પૈકીની 47 બસ બીઆરટીએસ રૂટ ઉપર જ ચાલી રહી છે. જ્યારે નવી મુકાયેલી 25 બસો શહેરમાં દોડતી થવાને કારણે ટૂંક સમયમાં શહેરીજનોને ધૂમાડા ઓકતી બસોમાંથી છૂટકારો મળશે કેમ કે આગામી સમયમાં વધુ ઈલે. બસ રાજકોટ આવી રહી છે.
ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પરાપીપળીયા ખાતે નિર્માણ પામી રહેલી ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું. બ્ોઠકમાં હાજર અધિકારીઓ દ્વારા હોસ્પિટલનું નિર્માણકાર્ય 73% પૂર્ણ થઈ ગયું હોવાનું અને ઑક્ટોબર સુધીમાં દર્દીઓને દાખલ કરવાની સુવિધાની તૈયારી ચાલી રહ્યાનું મુખ્યમંત્રીને જણાવ્યું હતું. 30 મિનિટ સુધી ચાલેલી બેઠક બાદ મુખ્યમંત્રીએ એઈમ્સના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી સાથે સાથે દર્દીઓના ખબર-અંતર પણ પૂછયા હતા.
ઈલેક્ટ્રિક બસમાં આટલી સુવિધાઓ મળશે
- સંપૂર્ણ એસી બસ
- કુલ 33 મુસાફરો આરામથી બ્ોસી શકશે
- મનોરંજન માટે એફએમ રેડિયોની સુવિધા
- જીપીએસ ટે્રકિંગ સિસ્ટમ
- અંદર-બહાર કેમેરાની સુવિધા
- મેડિકલ કીટ તેમજ ફાયર સેફ્ટીના સાધનો
- ઓટોમેટીક પ્રવેશ-ઈમરજન્સી દ્વાર