વીજ વિતરણ ક્ષેત્ર સાથે જોડાયેલા કર્મયોગીઓ જનજીવનમાં ઉજાસ પાથરનારા મશાલચી: મુખ્યમંત્રી
અડાલજ ત્રિ-મંદિર ખાતે ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા ઋણ સ્વીકાર અને અભિવાદન સમારોહ યોજાયો
વીજ કર્મીઓ જીવના જોખમે આપણા સૌના ઘરો રોશનીથી જળહળતા કરે છે, સરકારે કર્મયોગી પ્રત્યેની જવાબદારી અદા કરી છે ઋણ નહિ
ગુજરાતના વીજ કર્મીઓના હિતમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારની તેના કર્મયોગી પ્રત્યેની જવાબદારી છે. ઋણ નહિ તેમ અડાલજના ત્રિ-મંદિર ખાતે ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા તાજેતરમાં યોજાઇ ગયેલા ઋણ અભિવાદન સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. આ તકે મુખ્યમંત્રીએ વીજ વિતરણ ક્ષેત્ર સાથે જોડાયેલા કર્મયોગીઓને જન જીવનમાં ઉજાશ પાથરનારા મશાલચી ગણાવ્યા હતા.
વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યના વીજકર્મીઓ ટાઢ-તાપ, વરસાદ કે વાવાઝોડા કોઈપણ કપરાં સમયે વીજ પુરવઠો જળવાઈ રહે તેનું સેવા દાયિત્વ સંપૂર્ણ નિષ્ઠા સાથે નિભાવે છે અને દિવસ રાત ખડે પગે રહે છે. વીજકર્મીઓના જીવના જોખમે આપણા સૌના ઘર રોશન થાય છે ત્યારે તેમની સેફ્ટી અને કામના સમયે યોગ્ય પ્રિકોશન લેવા એ ખૂબ જ જરૂરી છે.
મુખ્યમંત્રીએ ઉદાહરણ આપતા સમજાવ્યું હતું કે, ઘણીવાર કોઈ ફોલ્ટમાં વીજળી જાય ત્યારે આપણે સૌ નાગરિકો તેને પૂર્વવત કરાવવા ઉતાવળા થતા હોય છે. ત્યારે કોઈપણ એમ નથી વિચારતું કે જે વીજકર્મી તેનું કામ કરી રહ્યો છે, તેના જીવ સામે કેટલું જોખમ છે. એટલા માટે જ, જેમ નાગરિકોના ઘરનો વીજ પુરવઠો પૂર્વવત કરવા મથતા વીજકર્મીના કેન્દ્ર સ્થાને સામાન્ય નાગરિક હોય છે, તેવી જ રીતે એક નાગરિકના કેન્દ્ર સ્થાને પણ હંમેશા એક વીજકર્મી અને તેનો પરિવાર જ હોવો જોઇએ. કારણ કે, તેમના કામમાં ભૂલ માટે કોઈ અવકાશ નથી.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી લીડરશીપથી ગુજરાત આજે દરેક ક્ષેત્રે અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવે છે અને પરિણામે ગુજરાત આજે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. દેશમાં સતત આગળ રહીને અન્ય રાજ્યોને પ્રેરણા આપવાની પરંપરાને ટીમ ગુજરાતે જાળવી રાખી છે. ૨૪ કલાક વીજળી, પાકા રોડ રસ્તા, ઘરે ઘરે પીવા લાયક શુદ્ધ પાણી, સહિતની તમામ જીવન જરૂરિયાતની સુવિધાઓ ગુજરાતમાં ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ થાય છે.
આ પ્રસંગે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વીજકર્મીઓના હિતમાં લીધેલા નિર્ણયો એ કોઈ ઋણ નહીં પરંતુ રાજ્ય સરકાર અને ઊર્જા વિભાગની ફરજ છે. ઊર્જા વિભાગ હેઠળની વિવિધ કંપનીઓના કર્મચારીઓ એ ઊર્જા વિભાગનો જ એક પરિવાર છે.
આ પ્રસંગે ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિના અધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતનો વિકાસરથ આજે જે ઝડપથી આગળ વધી રહ્યો છે તેનું સંપૂર્ણ શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની વિઝનરી લીડરશીપને જાય છે. વડાપ્રધાને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે લીધેલા અનેક નિર્ણયોને પરિણામે આજે ગુજરાત વિદ્યુત ક્ષેત્રે દેશમાં મોડલ સ્ટેટ બન્યું છે. સમય સાથે ગુજરાત પણ ટેકનોલોજી અનુસાર પરિવર્તનો લાવતું ગયું અને આગળ વધતું રહ્યું છે, પણ અટક્યું નથી.
આ પ્રસંગે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સિનિયર કાર્યકારી પ્રમુખ વાસણ આહિર, કાર્યકારી પ્રમુખ મનુભાઈ પટેલ, ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિના પ્રમુખ ભરત પંડ્યા, સિનિયર સેક્રેટરી જનરલ બળદેવ પટેલ, સેક્રેટરી જનરલ બિપીન શાહ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી સૌ કર્મચારીઓ વતી રાજ્ય સરકાર, મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીનું અભિવાદન કર્યું હતું. આ ઉપરાંત મોટી સંખ્યામાં રાજ્યના વીજ કર્મચારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.